રોગચાળો@સુરત: 2 માસમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસમાં મોટો વધારો, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
સુરત શહેરમાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ અને સ્મીમેરમાં દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો છે. પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એવી છે કે જ્યાં ડેન્ગ્યુ અને મલેરીયાના ઘણા દર્દી છે. માત્ર સિવિલમાં જ છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના 296 અને મેલેરિયાના 544 દર્દીએ સારવાર લીધી છે. સિવિલ OPDમાં જૂન, જૂલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે. હવે રેસિડેન્ટ ડોક્ટરો પણ ડેન્ગ્યુની ચપેટમાં આવી રહ્યા છે.
સુરત સિવિલમાં રોજ સરેરાશ 800 દર્દી આવી રહ્યા છે. ડેન્ગ્યુને કારણે સિવિલમાં બે દર્દીના મોત થયા હોવાની પણ ચોંકાવનારી માહિતી છે. બીજી તરફ ઓગસ્ટની સરખામણમાં સપ્ટેમ્બરમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડેન્ગ્યુ, મેલેરિયાની સાથે સાથે હવે ચીકુનગુનિયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં લક્ષણો સરખા જેવા હોવાથી નિદાનમાં તબીબો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.
આ સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધતાં હોસ્પિટલોની ઓપીડીમાં અને દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતાં વધારાના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી રહી છે. જો કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સામે પાલિકાના ચોપડે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયાના આંકડાઓમાં જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે.