નિર્ણય@અમદાવાદ: ઉનાળા વેકેશનમાં કાંકરિયા ગાર્ડન ફરવા જનારા માટે મોટા સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાની જોરદાર ગરમી પડી રહી છે અને હજુ વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ગરમીથી બચવા માટે લોકો ગાર્ડનનો સહારો લેતા હોય છે. ઉનાળામાં ઠંડા રહેતા પ્રવાસન સ્થળો પર ફરવા જતા હોય છે. ત્યારે ઉનાળાના વેકેશનને લઈ હવે કાંકરિયા સોમવારે પણ ખુલ્લું રહેશે.
સામાન્ય દિવસોમાં કાંકરિયા સોમવારે મેન્ટેન્સ માટે બંધ રહે છે અને સહેલાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે હવે સહેલાણીઓ માટે કામનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળું વેકેશન દરમિયાન કાંકરિયા સોમવારે ખુલ્લું રહેશે. કાંકરિયામાં મુલાકાતીઓનો ધસારો પણ વધી રહ્યો છે. સામાન્ય દિવસોમાં કાંકરિયામાં 10 હજાર આસપાસ લોકો આવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તહેવારો અને રજાના દિવસમાં મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે. અખાત્રીજ અને ઇદની રજા હતી. જેના કારણે એક જ દિવસમાં 40 હજાર મુલાકાતીઓએ વિઝીટ લીધી છે અને ઉનાળુ વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધી જશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વૃક્ષોના કારણે ઠંડક રહે છે. જેના કારણે મુલાકાતીઓ પણ આવવાનું પસંદ કરે છે.