રિપોર્ટ@અમદાવાદ: કેડિલા CMD રાજીવ મોદી દુષ્કર્મ કેસ, સરકારે કહ્યું CCTV સ્ટોરેજ કરવા પૈસા નથી, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
કેડિલાના CMD રાજીવ મોદી પર થયેલા જાતિય સતામણીના કેસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં મહિલા પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ નહીં હોવાનું સરકારે સોગંદનામુ કર્યું હતું. જેમાં ટેક્નિકલ અને આર્થિક કારણોસર CCTV રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલા સોગંદનામાં કહેવાયું કે એક જ મહિના સુધી CCTV સંગ્રહી શકાય છે. ઓવરરાઇડ થઈને પછી નવું રેકોર્ડિંગ થાય છે જેથી તે સમયના ફૂટેજ ઉપલ્ધ નથી. વધુમાં કહ્યું હતું કે,
કોર્ટમાં અરજદારના વકીલે દલીલ કરી છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશનો આ અનાદર છે. સુપ્રીમ કોર્ટમાં પરમવીર સિંહ કેસના સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું છે તે મુજબ એક વર્ષ સુધી CCTV રેકોર્ડિંગ સાચવી રાખવા પડતા હોઈ છે. આ મામલે જાન્યુઆરીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના ACP હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હતી. મહિલા એસીપીએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.
અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.
અરજદાર યુવતી દ્વારા કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. અરજદાર યુવતી તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તેણી ૨૦૨૨માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી.
સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા. કંપનીના સીએમડીની સાથે કંપનીના જ અન્ય એક ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે. અરજદારે ફાર્મા કંપનીના સીએમડી અને આ અધિકારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.