શિક્ષણ@ગુજરાત: ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો એક જ ક્લિકે

 
GSEB

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સમગ્ર માળખામા ફેરફાર કરવાની સાથેસાથે મૂલ્યાંકન કામગીરીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ બોર્ડના અત્યારના આયોજન મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ એક મહિનો વહેલું એટલે કે, તા. 15થી 20 એપ્રિલ-2024ની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે. બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાના લીધે ઉચ્ચ અભ્યાસની પ્રવેશ પ્રક્રિયામાં પણ ખૂબ ઝડપ આવશે.

 

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ પ્રકારની ઘડવામાં આવી છે, જેના કારણે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવશે તેવો શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરાયો છે. બીજી તરફ હવે પરિણામમા જે વિલંબ થતો હતો તેમાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરાયું છે.

આ વખતે ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી તા.11 માર્ચ-2024થી શરૂ થશે. જેમાં ધોરણ.10 અને 12 સાયન્સની પરીક્ષા તા.22 માર્ચના રોજ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.26મી માર્ચના રોજ પૂર્ણ થશે. એ પછી તા.15થી તા.20 એપ્રિલની વચ્ચે જાહેર કરવાનું આયોજન કરાયું છે. જો આ મુજબ પરિણામ જાહેર થશે તો ગત વર્ષની સરખામણીએ એક મહિનો વહેલુ પરિણામ જાહેર થશે. કારણ કે, ગત વર્ષે પરીક્ષાઓ તા.14 માર્ચ-2023માં શરૂ થઈ હતી.

જેમાં ધોરણ.10ની પરીક્ષા તા.28 માર્ચ, ધોરણ.12 સાયન્સની પરીક્ષા તા.25 માર્ચ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.29 માર્ચ-2023ના રોજ પૂર્ણ થઈ હતી. એ પછી ધોરણ 10નું પરિણામ તા.25 મે-2023ના રોજ, ધોરણ.12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.31 મે-2023ના રોજ અને ધોરણ.12 સાયન્સનું પરિણામ તા.2 મે-2023ના રોજ જાહેર થયું હતુ. આમ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થતાં અંદાજે બે મહિના જેટલો સમય લાગ્યો હતો, જે હવે નવા આયોજન મુજબ તો પરીક્ષા પૂર્ણ થયાના માત્ર 20 દિવસમાં જ પરિણામ જાહેર થઈ જશે.