અપડેટ@ગુજરાત: સરદાર સરોવર ડેમમાં પાણીની સ્થિતિ અંગે મોટા સમાચાર, જાણો અહીં

 
Narmada

અટલ સમાચાર, ડેસ્ક

નર્મદા કાંઠાવાસીઓ માટે રાહતના સમાચાર છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે. હવે નર્મદા કાંઠા પર પૂરની સ્થિતિમાં ઘટાડો થઈ શકે છે. સવારે 6 કલાકે નર્મદા ડેમની સપાટી 138.68 મીટર હતી. રાત્રે 10.30 વાગ્યે ગેટની ઊંચાઈ ઓછી કરી જાવક ઓછી કરાઈ હતી. ડેમના 23 ગેટ 5.60 મીટર સુધી ખોલાયા છે, જ્યારે અગાઉ 23 ગેટ 7.90 મીટર ખોલાયા હતા. હાલ નર્મદા ડેમમાં 715327 ક્યૂસેક પાણીની આવક છે અને 714747 ક્યૂસેક જાવક છે. ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર સપાટીમાં વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ પર સપાટી 41.50 ફૂટે પહોંચી છે.

નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે તીર્થધામ ચાણોદમાં જળતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. ચાણોદનાં કોર્ટ ફળિયામાં 12 લોકો ફસાઈ જતા તમામના જીવ તાંડવે ચોટ્યા હતા. વડોદરા ફાયર ફાઈટરો ફસાયેલા લોકોમાં પાંચ મહિલા અને સાત બાળકોનું રેસ્ક્યુ કર્યું છે. વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિન વકીલને જાણ થતા તેમણે તંત્રને તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ માટે સૂચના આપી હતી. હાલ તમામ લોકોને સુરક્ષિત ખસેડાયા છે.

નર્મદા નદીમાં ભારે પૂરના કારણે રેલ વ્યવ્હાર અસરગ્રસ્ત થયો છે. 2013 બાદ પ્રથમ વાર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ સિલ્વર બ્રિજ પર પાણી આવતા રેલ વ્યવ્હાર બંધ કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલ્વેનો મુંબઈ-અમદાવાદ વચ્ચેનો અપ-ડાઉન ટ્રેક પર અનિશ્ચિત સમય સુધી બંધ કરાયો છે. ટ્રેનની અવર જવર બંધ થતા મુસાફરો અટવાયા છે.

નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ભરુચનાં ગામોમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઇ છે. બોરભાઠા ગામમાં ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યૂ કરવા ગયેલી ટીમ પણ પાણીનાં ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. રેસ્ક્યૂ ટીમ અને ફસાયેલા લોકોને બચાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની ટીમ બોલાવાની ફરજી પડી હતી. ભરૂચના બોરભાઠા બેટ પાણીમાં ગરકાવ થયો છે, નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે.