કાર્યવાહી@અમદાવાદ: એક કા તીન કૌભાંડ કેસમાં મોટી અપડેટ, 15 વર્ષે ફરાર ઈસમને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કા તીન કૌભાંડ કેસમાં 15 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ ફરાર આરોપી પર 20,000 રૂપિયાના ઇનામની જાહેરાત હતી. આ કેસની વિગત એવી છે કે, આરોપી વર્ષ 2009માં સરખેજ વિસ્તારમાં રહેતો હતો ત્યારે પોતાને માતાજી પ્રસન્ન થયા છે અને છારા કોમ્યુનિટીનો ઉધ્ધાર કરવા માંગે છે. પરિણામે પોતાના મકાન આગળ મેલડી માતાના મંદિર આગળ ખાડો ખોદી તેમા બેસી છારા કોમ્યુનિટીના લોકોને 3 દિવસમાં રૂપિયા 3 ગણા કરી આપવાની લાલચ આપી પૈસા ઉધરાવ્યા હતા અને શરૂઆતમાં ત્રણ ગણા પૈસા આપી બાદમાં હજારો લોકોના લાખો રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયો હતો.
આ કામ માટે તેણે 34 એજન્ટ પણ રાખ્યા હતા જેમાંથી અનેકની અગાઉ ધરપકડ કરાઈ છે. હાલમાં પકડાયેલો આરોપી અશોક જાડેજાના મુખ્ય એજન્ટમાંથી એક હતો.આરોપીની ટોળકી સામે 111 ગુનાઓ દાખલ થયા હતા. અબજો રૂપિયાની છેતરપિંડીના આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. આ કેસમાં અગાઉ 100 કરોડ રોકડ, 2 કરોડનું સોનું, 2 કરોડની ચાંદી, 50 જેટલી ગાડીઓ, 50 મોટર સાયકલ, તેમજ 450 કરોડની 180 વીઘા જમીન સીઝ કરવામાં આવી હતી. હાલમાં પકડાયેલો આરોપી છેલ્લા ઘણા વર્ષથી નાસતો ફરતો હતો. રાજસ્થાનમાં વકીલની પણ પ્રેકટીસ સાથે જોડાયો હતો. હાલમા ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ બાદ તેને સીઆઈડી ક્રાઈમને હવાલે કર્યો છે.