કાર્યવાહી@સાબરકાંઠા: ખરીદ વેચાણ સંઘ ચુંટણીમાં મેન્ડેટનો અનાદર કરતાં BJPના 2 નેતા પક્ષમાંથી સસ્પેન્ડ

 
Sabarkantha

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના મેન્ડેટનો અનાદર કરવાને લઈ 2 પદાધીકારીઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે કાન્તિભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ એમ બે પદાદિકારીઓને ભાજપમાંથી બહાર કરી દીધા છે. કાન્તિભાઈ પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન પદને સંભાળી રહ્યા છે. ભાજપ દ્વારા સહકારી સંસ્થાઓની ચુંટણીઓમાં મેન્ડેટની પ્રથાની શરુઆત કરવામાં આવી છે. સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી થનારી હોવાને લઈ આ માટે ભાજપે મેન્ડેટ ઉમેદવારોને લઈ આપ્યા હતા.

સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી આગામી 5 માર્ચે યોજાનારી છે. ડિરેક્ટર પદ માટેની ચુંટણીને લઈ હાલમાં માહોલ ગરમાવા ભર્યો છે. અત્યાર સુધીમાં પ્રથમવાર સંધની ચુંટણીને લઈ માહોલ રસાકસી જેવો બન્યો છે. આ પદ પર ચુંટાઈ આવવાના મોહમાં 2 ઉમદવારોએ ભાજપના મેન્ડેટની પણ ઐસીતૈસી કરી હતી. જોકે આકરા પાણીએ રહેલ ભાજપે પણ તેમને સીધો જ બહારનો રસ્તો દેખાડ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન કાન્તિભાઈ મંછાભાઈ પટેલને ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓને સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મેન્ડેટ નહોતુ અપાયુ આમ છતાં તેઓએ પોતાની ઉમેદવારી ચાલી રાખી હતી. જેને લઈ ભાજપે તેમને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પત્ર લખીને તેમને સસ્પેન્ડ કર્યાની જાણ કરી હતી.

આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચના મુજબ બંને ઉમેદાવારોને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જે મુજબ કાન્તિભાઈ પટેલની સાથે તલોદ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને સ્થાનિક સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા બાબુભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે રાકેશ પટેલના નામનુ મેન્ડેટ જાહેર કરવા છતાં બાબુભાઈ પટેલે પોતાની ઉમેદવારી જાહેર કરી હતી. આમ હવે તેઓ ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ થઈ ચુક્યા છે.