રિપોર્ટ@ગુજરાત: આજે બેઠકોનો દોર, બજેટ સત્રને લઈ ચર્ચા તો BJP-કોંગ્રેસના ધારાસભ્યોની પણ બેઠક

 
Gujarat Vidhansabha

અટલ સમાચાર, ડેસ્ક

આજે ગાંધીનગરમાં બેઠકોનો દોર જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા એક પછી એક બેઠક યોજાશે. સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જ્યારે સાંજે બજેટ સત્રને લઈ ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાશે. ઉપરાંત, કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પણ મહત્ત્વની એક બેઠક યોજાશે. આ સાથે કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ મળશે. આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રને લઈ ચર્ચા કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ, બિલ બાબતે સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત, ગત વર્ષના બજેટના ખર્ચ અને યોજનાઓની ગ્રાન્ટના વપરાશ બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે.

ગાંધીનગરમાં બજેટ સત્રને લઈ ભાજપ ધારાસભ્ય દળની પણ એક બેઠક મળશે જે સાંજે યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહેશે એવી માહિતી છે. વિધાનસભા ખાતે શાસક પક્ષના હોલમાં આ બેઠક મળશે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ , સંગઠન મંત્રી અને મહામંત્રી હાજર રહેશે. ઉપરાંત ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ મળશે. વિધાનસભા બજેટ સત્રને લઈ આ મહત્ત્વની બેઠક મળવાની છે. બેઠક દરમિયાન બજેટ સત્રની કામગીરીને આખરી ઓપ અપાશે.

આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનશેરિયા અને દંડક બાલકૃષ્ણ તથા કોંગ્રેસના એક ધારાસભ્ય હાજર રહેશે. ઉપરાંત કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પણ એક મહત્ત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં વર્ષ 2024-25 ખરીફના પાકોના ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારી, કિસાન સંઘના આગેવાનો ઉપસ્થિત રહેશે એવી માહિતી છે. આ બેઠક પણ આવતીકાલે ગાંધીનગર ખાતે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.

આ સાથે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની પણ એક બેઠક યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો હાજર રહેશે એવી માહિતી છે. બજેટ સત્રમાં શાસક પક્ષને કઈ રીતે ઘેરવી તે અંગે ચર્ચા કરી રણનીતિ તૈયાર કરવામાં આવશે. સત્રમાં ક્યાં પ્રશ્નો ઊઠાવવા તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.