ક્રાઇમ@ખેડા: પરીણિતા પર ભાજપ નેતાના ભાઈએ આચર્યું દુષ્કર્મ ? જાણો શું છે સમગ્ર ઘટના ?
અટલ સમાચાર, ડેસ્ક
નડિયાદમાં નાના બાળક સાથે રાવણદહન જોવા નીકળેલી પરીણિતા રસ્તો ભૂલી જતાં તે દુષ્કર્મનો શિકાર બની છે. રાવણદહન જોયા બાદ રાત્રે ભારે ભીડ વચ્ચે અટવાયેલી 30 વર્ષિય પરીણિતા ગામ તરફનો રસ્તો ભૂલી ગઈ હતી. જેનો લાભ ઉઠાવી બિલોદરાના કારચાલકે તેને કારમાં બેસાડી તેણીની મરજી વિરુદ્ધ કૃત્ય આચર્યું છે. એટલુ નહીં પણ આ કાર ચાલકે કહ્યું જો તુ તાબે નહીં થાય તો તને અને તારા બાળકને મારી નાખીશ અને ફેકી દઈશ તેવી ધમકી આપી હતી. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મીડિયા અહેવાલો મુજબ આ કાર એમ.બી રાજપૂત નામના ભાજપ નેતાની હતી અને ભાજપ નેતાના ભાઈએ જ આ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. આ ચકચારી બનાવમાં પીડિતા સાથે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તોછડાઈભર્યું વર્તન થકી મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે તેમજ પીડીતાને ન્યાય મળે તે માટે શુક્રવારે બપોરે શહેરના સીટી જીમખાના મેદાને સૌ તળપદા સમાજના લોકો એકઠા થયા હતા. જ્યાંથી રેલી નીકળી જીલ્લા પોલીસવડા અને એ બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે તપાસ કરવા માંગ કરી છે.