રાજનીતિ@ભાભર: MLA ગેનીબેન ઠાકોરે સરકારી જમીન પર કબજો કર્યાનો ભાજપ પ્રમુખે લગાવ્યો આરોપ
અટલ સમાચાર, ડેસ્ક
ભાભરમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વિગતો મુજબ ભાભરમાં આવેલ લોક નિકેતન છાત્રાલયનું સંચાલન વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન કરી રહ્યાં છે. લોકનિકેતન છાત્રાલયની આગળના ભાગમાં આવેલ સરકારી જમીન પર ગેનીબેન ઠાકોર દ્વારા ખેડ કરીને જમીન હડપવાનો આરોપ ભાભરના ભાજપના શહેર પ્રમુખે લગાવ્યો છે.
ભાભર-રાધનપુર હાઇવે પર આવેલા લોકનિકેતન છાત્રાલયની આગળ સરકારી જમીન આવેલી છે. પાકી દિવાલ બનાવીને તેને છાત્રાલયમાં લીધેલ છે. આ જમીનમાં ગેનીબેન ઠાકોરે ખારેકના 15 વૃક્ષ વાવતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોના આધાર પર ભાભર ભાજપ શહેરના પ્રમુખ અમરતભાઇ માળીએ ગંભીર આક્ષેપ કર્યા છે. ભાભરના ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે, લોકનિકેતનની આગળ સરકારી જમીન પર ચારે તરફ દિવાલ બનાવીને સરકારી જમીન ઉપર ખેડ કરીને ખેતી માટે ગેનીબેને જમીન તૈયાર કરી છે. આ સરકારી જમીન પર ગેનીબેને કબજો કરી લીધો છે.
આ પહેલા ગેનીબેન ઠાકોરે ભાભરના ભાજપના શહેર પ્રમુખ અમતભાઇ માળી પર આક્ષેપ લગાવ્યા હતા. ગેનીબેને કહ્યું હતું કે, દિયોદર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા ચાલે છે તેનો માલીક ભાજપના ભાભર શહેર પ્રમુખ અમરતભાઈ માળી છે. બન્ને વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. જોકે, સરકારી જમીન પર કબજાને લઇને ગેનીબેન ઠાકોરે કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો.