ઘટના@અમરેલી: ન્યાય સમિતિના ચેરમેનને રિપિટ કરાતા BJPના મહિલા સદસ્યએ ફિનાઈલ પી લીધું, જાણો પછી શું થયું ?
અટલ સમાચાર, ડેસ્ક
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હોદેદારોને રિપિટ નહીં કરવાનું કહ્યું હોવા છતાં ધારી તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેનને રિપિટ કરાતા મહિલા સદસ્યાએ નારાજગી વ્યકત કરી ફિનાઈલ પી લીધું હતું. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ સામે લાગવગ લગાવ્યાનો આક્ષેપ કર્યો હતો. સી.આર.પાટીલ ને કોલ કરવા છતાં સામાજિક ન્યાય સમિતિના હોદા પર અન્યની નિમણુક થતા અને પોતાને હોદો ન મળતા ફિનાઈલ ગટગટાવી લીધું હતું
અમરેલીની ભાજપ શાસિત ધારી તાલુકા પંચાયતમાં આજે નવા પદાધિકારીઓની વરણી માટે યોજાયેલી બેઠકમાં તાલુકા પંચાયતની ન્યાય સમિતિના દાવેદાર મહિલા સદસ્ય નિર્મળાબેન લુણગાતરે ફિનાઇલ પી લેતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી, પ્રમુખ અને પોલીસ પણ હાજર હતી. સમગ્ર ઘટનાને લઈને ઉપસ્થિત રાજકીય આગેવાનો અને અધિકારીઓમાં દોડધામ મચી હતી. મહિલા સદસ્યાને તાત્કાલીક સારવાર માટે ધારી બાદ અમરેલી ખસેડવામાં આવ્યા છે.