બ્રેકિંગ@દિલ્હી: રાહુલ ગાંધીએ કહ્યું, તપસ્યા ચાલું જ રહેશે, અદાણીની કંપનીમાં 20હજાર કરોડ ક્યાંથી આવ્યા

 
Rahul Gandhi

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સાંસદ તરીકેનો હોદ્દો રદ્દ થયા બાદ આજે શનિવારે રાહુલ ગાંધી મિડીયા સમક્ષ આવીને પોતાની વાત રજૂ કરી હતી. આ દરમ્યાન રાહુલ ગાંધીએ તપસ્યા ચાલુ જ રહેશે અને અદાણી મુદ્દે સવાલો કરતાં રહીશ તેમ જણાવ્યું હતુ. આ પછી રાહુલ ગાંધીએ પૂછ્યું- અદાણી અને મોદીનો સંબંધ શું છે? રાહુલે પ્રેસ-કોન્ફરન્સમાં અનેક વખત મોદીજી અને 35થી વધુ વખત અદાણીનો મુદ્દો રજૂ કર્યો હતો. 

સંસદપદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડ ક્વાર્ટરમાં પ્રેસવાર્તા કરી હતી. જેમાં કહ્યું હતું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. સંસદમાં સવાલ કર્યો હતો કે અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડનું કોઈએ રોકાણ કર્યું છે. આ રૂપિયા કોના છે? રાહુલે વધુમાં કહ્યું હતું કે મેં સંસદમાં કહ્યું હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધો છે. 

Jaherat
જાહેરાત

રાહુલે કહ્યું હતું કે, 20 હજાર કરોડ રૂપિયા કોના છે? મેં સંસદમાં મીડિયા રિપોર્ટમાંથી મેળવેલા પુરાવા પણ આપ્યા હતા. અદાણીજી અને મોદીજીના સંબંધ બાબતે કહ્યું હતું. આ સંબંધો નવા નથી, ઘણા જૂના છે. જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતમા મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી સંબંધો છે. હું જેલમાં જવાથી પણ ડરતો નથી

રાહુલે કહ્યું હતું કે મેં સંસદમાં અદાણી કૌભાંડ મામલે પત્ર લખ્યો હતો, પરંતુ કશું જ કરવામાં આવ્યું નહીં. કેટલાક નેતાઓએ મને કહ્યું કે મેં વિદેશી તાકાતોની મદદ લીધી છે, એવું કશું જ નથી. મેં અનેક વખત પત્ર લખ્યા, પણ કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી.

હું દેશ માટે લડતો રહીશઃ રાહુલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ મને કાયમ માટે ગેરલાયક કરે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ના હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી.

રાજનીતિ મારા માટે ફેશનનો વિષય નથી, મારા માટે તપસ્યા છેઃ રાહુલ

રાજનીતિ મારા માટે ફેશનનો વિષય નથી. આ મારા જીવનની તપસ્યા છે. ભલે મને અયોગ્ય ઠેરવે. મને મારે, જેલમાં નાખે, પણ હું મારી તપસ્યા કરતો જ રહીશ. આ દેશે મને પ્રેમ આપ્યો છે. મારે દેશ માટે પણ આ બધી બાબતનો સામનો કરવો જ પડશે.