હત્યા@પાટણ: સમી સાંજે બહેનના પ્રેમીને ભાઈએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર, ડેસ્ક
ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણ શહેરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવાતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ પાટણ શહેરનાં કનસડા દરવાજા નજીક રવિવાર એટલે કે ગઈકાલે સાંજે એક યુવક પર એક ઇસમ છરી વડે હુમલો કરી નાસી છૂટ્યો હતો. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતા ત્યાં તેનું મોત થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ આરોપીની બહેન સાથે આ યુવકને પ્રેમ સંબંધ હોય તેની અદાવતમાં હુમલો કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
પાટણ શહેરના પીપળાશેર ઠાકોરવાસમાં રહેતા 25 વર્ષીય રાહુલ બાલુભાઈ ઠાકોર રવિવારની સાંજે પોતાના મિત્ર સાથે શહેરના કનસડા દરવાજા નજીક આવેલી લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન એક્ટિવા પર આવેલા વિષ્ણુએ એકદમ ઉશ્કેરાઈ જઈ રાહુલના છાતીના ભાગે છરીથી હુમલો કર્યો હતો. જે બાદ ઝપાઝપી થતા રાહુલ વધુ મારથી બચવા રતનપોળ બાજુ ભાગી રહ્યો હતો. ત્યારે આરોપી તેની પાછળ ભાગ્યો હતો. આ દરમિયાન રાહુલ બેભાન થતા ત્યા જ ઢળી પડ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ પર હુમલો કરી વિષ્ણુ નામનો શખ્સ ભાગી ગયો હતો. ચર્ચા મુજબ આરોપીની બહેન સાથે રાહુલને પ્રેમ સંબંધ હોય તેની અદાવતના છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. સમગ્ર મામલે પાટણ એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી છરી વડે હુમલો કરનાર શખ્સને ઝડપી લેવાના વધુ તપાસ શરૂ કરી છે.