ક્રાઇમ@ગુજરાત: વીમા એજન્ટને પોલિસી માટે બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો, નકલી પોલીસ બની પૈસા પડાવ્યા

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના સિટીલાઇટના LIC એજન્ટને વીમા પોલિસી લેવાના બહાને બોલાવી યુવતી સાથે હનીટ્રેપમાં ફસાવી અડાજણ પોલીસના નામે 43 હજાર પડાવ્યા હતા. એજન્ટે ફરિયાદ આપતા અડાજણ પોલીસે સૂત્રધાર ગોપાલ રબારી, રાજુ હડીયલ, જયેશ ઉર્ફે સંજય વાધેલા, દિલીપ મામા અને યુવતી સહિત 6 સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ગોપાલ ઉલવાના બે વચેટીયાઓ જયેશ વાઘેલા (સુમન શાંતિ એપાર્ટ, મોરાભાગળ) અને દિલીપ ઉર્ફે મામા ડાભી (મસાલ સર્કલ, રાંદેર)ને ઝડપી પાડ્યા હતા. જેમાં સંજય LIC એજન્ટનો મિત્ર છે. 

વિગતો મુજબ સંજય વાઘેલાએ એજન્ટને પોલિસીના બહાને અડાજણ શ્રીજી આર્કેડ સામે હાઉસિંગના જુના મકાનમાં બોલાવ્યો હતો. જ્યાં 4 એજન્ટ સાથે સંજય, દિલીપ મામા અને એક યુવતી હતી. એજન્ટ પોલિસી વિશે સમજાવી રહ્યો હતો એટલામાં દરવાજો બંધ કરી દીધો હતો. થોડીવાર પછી કારમાં અડાજણ ડી સ્ટાફ બની ગોપાલ રબારી, રાજુ હડીયલ સહિત 3 જણા આવ્યા હતા. નકલી પોલીસે તમે ખોટું કામ કરો છો, એમ કહી દંડાથી તેને માર માર્યો હતો. એટલું જ નહિ એજન્ટના મિત્ર સંજય અને દિલીપને પણ દેખાડવા માટે એક-બે તમાચા માર્યા હતા.

આ સાથે એજન્ટને ખોટા કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી પતાવટના નામે 3 લાખ માંગ્યા હતા. બાદમાં 43 હજાર પડાવ્યા હતા. એજન્ટે એટીએમમાંથી 23 હજાર અને 20 હજાર ઘરેથી એમ કુલ 43 હજાર આપ્યાં હતા. અડાજણ હાઉસીંગનું જુનું મકાન સૂત્રધાર ગોપાલ ઉલવા અને રાજુ હડીયલે ભાડે લીધું હતું.