કાર્યવાહી@રાજકોટ: 1467 કરોડના બોગસ બિલિંગનો મામલે ગત રાત્રીથી સોની બજારમાં સેન્ટ્રલ GSTની તપાસ

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટની સોની બજારમાં સોના-ચાંદી અને હિરાના મોટાગજાના વેપારી હિતેશ પ્રભુદાસભાઈ લોઢીયાની આસ્થા ટ્રેડીંગ નામની પેઢીમાંથી રૂ. 1467 કરોડનું મસમોટું બોગસ બીલીંગકાંડ બહાર આવ્યું તેની તપાસમાં હવે આંતરરાજ્ય કૌભાંડ ખૂલવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે, 48 નકલી પેઢી મળી આવ્યા બાદ બે રાજયમાં પણ મોટાપાયે વ્યવહાર થયાની શંકાએ ડીજીજીઆઈની ટીમે તે દિશામાં તપાસ હાથ ધરતા આગામી દિવસોમાં આ કૌભાંડમાં નવા ધડાકા થવાની સંભાવના છે.

સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઈની ટીમ દ્વારા બુધવાર અને ગુરૂવારે રાજકોટની સોની બજારમાં આવેલા આસ્થા ટ્રેડીંગમાં પૂર્વ બાતમીના પગલે દરોડા પાડી રૂ. 1467 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. બે દિવસના સર્ચ દરમિયાન જ અબજો રૂપિયાના બોગસ વ્યવહાર મળી આવતા સોના-ચાંદી અને હિરાના વેપારી હિતેશ લોઢીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ બોગસ બીલીંગ કૌભાંડના તાર પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આથી સીજીએસટીની ટીમ દ્વારા આ બન્ને રાજ્યમાં ગુપ્ત રાહે તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન આસ્થા ટ્રેડીંગ સાથે સંકળાયેલી 15 નકલી પેઢી બનાવી આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આવી બોગસ પેઢીની સંખ્યા પણ વધવાની શક્યતા છે. તેમાં અન્ય મોટા માથાની પણ સંડોવણી ખૂલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આસ્થા ટ્રેડીંગના માલિક હિતેશ લોઢીયા 14 દિવસના રિમાન્ડ ઉપર છે. જેની પૂછપરછ દરમિયાન વધુ કેટલીક માહિતી બહાર આવશે, આથી રાજકોટની સોની બજારમાં આ પેઢી સાથે સંકળાયેલા વેપારીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.