ચાણસ્મા: મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ

અટલ સમાચાર, ચાણસ્મા
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ૪ મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકના અવસાન, નિવૃત્તિ તથા રાજીનામાથી ખાલી પડેલી ચાર જગ્યાઓ ભરવા માટે મામલતદાર ચાણસ્મા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ચાણસ્માના કેશણી, મણીયારી-પરા, વડાવલી કન્યા શાળા તથા સોજીંત્રા કેન્દ્રોમાં વર્ષ ૨૦૧૯-૨૦ ના શૈક્ષણીક સત્ર માટે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક સરકારે નિયત કરેલા માસિક ઉચ્ચક માનદ્ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે કરવાની છે. જે અંગેના અરજી ફોર્મ મામલતદાર કચેરી, ચાણસ્મા ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી, અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અરજી સાથે તા. ૫ જુન સુધીમાં મોકલી આપવાની રહેશે. જે અરજદારે અરજી કરેલ હોય તે અરજદારોને તેના તમામ શૈક્ષણીક લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ મુલાકાત હેતુ તથા પ્રમાણપત્રોની ચકાસણી માટે તા.૧૧ જુનના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે મામલતદાર કચેરી, ચાણસ્મા ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે. નિયત નમુના સિવાયની મુદત બહારની તેમજ અધુરી વિગતોવાળી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
અરજદાર લઘુત્તમ ૨૦ વર્ષથી મહત્તમ ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. ન્યુ એસ.એસ.સી પાસ અરજદારોને તથા સ્થાનિક મહિલા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપર્યુક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળ્યેથી સ્થાનિક ધોરણ ૭ પાસ વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા બક્ષીપંચના ઉમેદવારોએ અધિકૃત અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે. જો ઉમેદવાર શિક્ષિત બેરોજગાર તરીકે નોંધાયેલ હોય તો તેની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
કોઈપણ ગુનાહિત કાર્ય સાથે સંકળાયેલ, અક્ષમ્ય કસુર બદલ પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય, ગેરરીતી માટે કસુરવાર ઠરેલ હોય, અનાજ દળવાની ઘંટી ચલાવતા હોય, શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય, સસ્તા અનાજની દુકાન ચલાવતા હોય, અન્ય જગ્યાએ માનદ વેતન મેળવતા કે નોકરી કરતા વ્યક્તિને, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત નિવૃત થયેલ, રૂખસદ થયેલ કે બરતરફ કરેલ હોય તેવા, વકિલાતના વ્યવસાય સાથે જોડાયેલા હોય, અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને તેઓને ગંભીર ગેરરીતી બદલ છુટા કરેલા હોય, તથા સંચાલક તરીકે નિમણૂંક મેળવવા માટે પાત્રતા ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ અરજી કરી શકશે નહીં.