રિપોર્ટ@ભરૂચ: લેબર માટે લાખોનાં ખર્ચે ચેકડેમ બનાવ્યા, બધા રૂપિયા મટીરીયલમાં ખર્ચી દીધા, ગંભીર ભ્રષ્ટાચાર

 
Bharuch

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારની અને પ્રથમ દ્રષ્ટિએ લાલિયાવાડી દર્શાવતી વિગતો મળી છે. મનરેગા ફરજિયાત રોજગારી માટે છે એટલે કે, લાઇન ડીપાર્ટમેન્ટના કામ હોય કે સીધા કામ હોય તેમાં મટીરીયલ સાથે રોજગારી ફરજિયાત છે. હવે ભરૂચ જિલ્લામાં અગાઉના વર્ષોમાં અનેક કામોમાં રોજગારી અપાઇ નથી અને તમામ ખર્ચ મટીરીયલમાં વાપરી દીધો છે. આટલુ જ નહિ, તમે કલ્પી શકો કે, ચેકડેમ જેવા બાંધકામના કામો લેબર વગર શક્ય બને ? એક ટકો પણ લેબર ખર્ચ વગર 100 ટકા મટીરીયલ ખર્ચ પાડી પાંચ લાખના ચેકડેમ પૂરા કર્યા છે. હવે આવી પરિસ્થિતિમાં લેબર ખર્ચમાં લાલિયાવાડી હોય અથવા મટીરીયલ અને મશીનરી કરી લેબરોની વિગતો ના હોય તો ઓનલાઇન રિપોર્ટમાં લાલિયાવાડી કરી હોય તેવી શક્યતા છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ........

ભરૂચ જિલ્લો આમ તો ઔદ્યોગિક રીતે ધમધમતો અને છાશવારે લેબરોની અછત હોય તેવી પરિસ્થિતિ વાળો છે. એટલે ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા ટીમને તાલુકામાં વિકાસના કામોમાં જોબકાર્ડ ધારકો ધાર્યા ના પણ મળતા હોય તેવી સંભાવના શક્ય છે. જોકે લેબરો એટલે કે જોબકાર્ડ ધારકો હોય જ નહિ તો તેવું એકપણ કામ બની શકે નહી. જેવું કામ તેવું લેબર ખર્ચ હોય, ભલે 60:40 હોય છતાં કામ મુજબ અલગ અલગ રેશિયો બને પરંતુ લેબર ખર્ચ તો હોય. તો વળી બાંધકામના કામોમાં તો લેબર ખર્ચ ઘણીવાર 60 ટકાથી વધુ પણ હોય છે. જોકે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા પંચાયત હેઠળ કેટલાક સમય અગાઉ મનરેગા હેઠળ મોટી સંખ્યામાં નવિન ચેકડેમ અને રીપેરીંગ ચેકડેમના કામો થયા હતા. આ કામોમાં લેબર ખર્ચ ઝીરો છે જ્યારે 100ટકા મટીરીયલ ખર્ચ છે. 3 લાખથી માંડીને 5લાખથી વધુના ચેકડેમ કામો કર્યા પરંતુ મજૂરી ખર્ચ નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટના ભલે જૂની હોય પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ ચોંકાવનારો વહીવટ છે. લાખોની રકમ મટીરીયલ પાછળ ખર્ચાઈ જાય અને લેબરોના નામ અને રોજગારીનુ કોઈ નામોનિશાન નથી. શું તત્કાલીન સમયે લેબરો કાગળ ઉપર લીધા અને કાગળો ખોવાઇ ગયા ? અથવા ગ્રાઉન્ડ ઉપર લેબરો હતા પરંતુ કાગળ ઉપર ખર્ચ ના બતાવી કેસમાં વહીવટ કર્યો હતો? આ તમામ સવાલો ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં થયેલ ઝીરો લેબર અને લાખોની રકમ મટીરીયલ પાછળ કેમ? આ બાબતે જો ઝીણવટપૂર્વકની તપાસ થાય તો આ સિવાય અન્ય તાલુકાઓમાં થયેલ ગેરરીતી કે નાણાંકીય અનિયમિતતા સામે આવી શકે છે.