તાલુકો@મોરવાહડફ: બાંધકામ શાખામાં ઓચિંતી તપાસ કરો , ક્રેટામાં આવતાં એસઓનો વહીવટ જુઓ, ભ્રષ્ટચારનો રાફડો મળશે

 
Morvahadaf

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોરવાહડફ તાલુકામાં બાંધકામના કામોમાં ગુણવત્તા કેટલી, ગ્રાઉન્ડ ઉપર તમામ કામો નિયમાનુસાર? આ સવાલ તમે કોઈ સરપંચ કે ડેલિકેટની પૂછી જુઓ તો સ્પષ્ટ થશે. એક મહાશયે તાલુકા પંચાયતની બાંધકામ શાખાના માધ્યમથી ભ્રષ્ટચારનો રાફડો ફાટી દીધો છે. કોઈપણ કામ ટકાવારી સિવાય થાય અને કેટલાક કામો તો ગ્રાઉન્ડ ઉપર છે કે નહિ ? એ સૌથી મોટો સવાલ છે. અનેક માઇલો કાપીને દૂરથી સ્પેશિયલ ક્રેટા ગાડીમાં આવતાં સુપરવાઈઝરની માયાજાળમાં બાળકથી ઉછરેલો ભ્રષ્ટચાર હવે મહાકાય બની ગયો છે. કોણ છે આ ભ્રષ્ટચારના પ્રેમી મહાશય અને કેટલા હદે છે તેમના વિરુદ્ધની બૂમરાણ જાણો, સ્પેશિયલ રિપોર્ટમાં....

પંચમહાલ જિલ્લા પંચાયત કેટલાક દિવસોથી તાબા હેઠળના ભ્રષ્ટચારથી ત્રસ્ત બની જતાં ધડાધડ એક્શન મોડમાં આવી છે. આરઓ પ્લાન્ટ કૌભાંડમાં કાર્યવાહી બાદ ગોધરા તાલુકામાં પણ 12 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જોકે ભ્રષ્ટચાર આટલો નથી, કેટલાક દિવસો પહેલાં મોરવામાં મોર બોલશે તેવી વાત અટલ સમાચાર ડોટ કોમ દ્વારા થઈ હતી, તેનો ઘટસ્ફોટ થાય તે પહેલાં રિપોર્ટ લાવ્યા છીએ. જેમાં મોરવાહડફ તાલુકાની બાંધકામ શાખામાં જો ઓચિંતી તપાસ થાય અને પાછલાં કેટલાક વર્ષોના કામો, તેની ગ્રાન્ટ, બીલો, વાઉચરો, એમબી રેકર્ડ, ઓડિટ રિપોર્ટ, ગ્રાઉન્ડ ઉપર ક્રોસ ચેકીંગ સહિતની તપાસ થાય તો ગોધરા ટીડીઓની જેમ મોરવાહડફ ટીડીઓ પણ ફરિયાદ નોંધાવે તેવો અવસર મળી શકે છે. તાલુકાના એસઓ રાઠોડની માસ્ટરીને કારણે બાંધકામના કામોમાં ભ્રષ્ટચારે અધધધધ્......માઝા મૂકી છે.‌ આ એસઓ રાઠોડ નોકરી ઉપર છેક દૂરથી આવે છે અને તે પણ સ્પેશિયલ ક્રેટા ગાડીમાં, દરરોજ 150 કિલોમીટર ગાડી ચલાવીને હજારો રૂપિયા તો ખાલી ડીઝલમાં ઉડાવી દે છે. તો સમજી શકો છો કે, આ મહાશયની બેહિસાબી આવક કેટલી હશે ?

સમગ્ર મામલે પંચમહાલ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને એસઓ બાબતે પૂછતાં જણાવ્યું હતુ કે, કંઈક ચાલે છે પરંતુ હાલ નંબર લગાવશો તો પણ તમને મળશે નહિ. આટલી વાત કરી અટકી ગયા હતા એટલે મતલબ સાફ છે કે, કંઈક તો છે જ. આ તરફ મોરવાહડફ ટીડીઓ બેનને પૂછતાં જણાવ્યું હતુ કે, એસઓ રજા ઉપર છે, આવે ત્યારે રજા બાબતના હકીકત કાગળો જોઈ રજા મંજૂર થશે. આથી શંકા જણાતાં એસઓ રાઠોડનો સંપર્ક કરતાં ફોન કનેક્ટ થયો નહોતો. શું મોરવાહડફ એસઓ વિરુદ્ધ ગંભીર પ્રકારની ઉચ્ચ સ્તરીય તપાસ થઈ રહી છે ? ગભરાઇને કે, તપાસથી બચવા એસઓ રજા ઉપર ઉતરી ગયા છે ? બેહિસાબી સંપત્તિ વિશેની વાત સરકારમાં પહોંચી ગઈ છે એટલે લાંબા ગાળાની રજા ઉપર ઉતરી ગયા છે? આ તમામ સવાલો ભારે ચોંકાવનારા બન્યા છે.