છોટાઉદેપુરઃ ભાઇને બહેનના પ્રેમલગ્ન પસંદ ના આવતા બનેવીને ગોળી મારી હત્યા કરી
મોતનેભેટેલો યુવક

અટલ સમાચાર, ડેસ્ક

 છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ધુટણવડ ગામે ગઈકાલે ખૂની ખેલ ખેલાયો હતો. અહીં સગા સાળીએ તેના બનેવીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ સમગ્ર ખૂની યુવતીએ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં બાદ ખેલાયો હતો. પાવીજેતપુર તાલુકાના કીકાવડા ગામની સ્નેહાને ધુટણવડ ગામના યુવક સુનિલ રાઠવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બાદ યુવક અને યુવતીએ દોઢ વર્ષ પહેલા કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જોકે, સ્નેહાના પરિવારને આ પ્રેમ સંબંધ કે પ્રેમ લગ્ન મંજૂર ન હતા.  

 બીજી તરફ સ્નેહાના પરિવારજનો તેણીને ગમે તેમ કરીને ઘરે લઈ ગયા હતા. બાદમાં નજીકના ઉચાપાન ગામના એક યુવક સાથે તેણીના બળબજરીથી લગ્ન કરાવી દીધા હતા. જોકે, સ્નેહાને લગ્ન મંજૂર ન હોવાથી તેણી પોતાના પ્રેમી સુનિલ રાઠવા સાથે ભાગી ગઈ હતી. બાદમાં બંને ઘુટણવડ ગામ એટલે કે યુવકના ઘરે રહેવા લાગ્યા હતા.

 સુનિલ ફરીથી બહેનને ભગાડી જતા સ્નેહાનો ભાઈ સચિન રાઠવા ગુસ્સે ભરાયો હતો. સુનિલ રાઠવા તેને આંખમાં કણાની માફક ખૂંચવા લાગ્યો હતો. આથી તેણે મનોમન નક્કી કરી દીધું હતું કે તેની બહેનને ભગાડી જનાર સુનિલને ગમે તેમ કરીને પતાવી દેવો. પ્લાન પ્રમાણે તે તારીખ 25/8/22ના રોજ પોતાના પિતાની લાઇસન્સવાળી બંદૂક લઈને ધુટણવડ ખાતે તેની બહેનના ધરે આવ્યો. સચિનને બંદૂક સાથે જોઈને બહેન અને તેનો બનેવી ડરી ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.  

 બંને થોડે દૂર ગયા હતા ત્યાં જ સચિને ફાયરિંગ કર્યું હતું અને સુનિલ રાઠવા ઘર પાસે જ ઢળી પડ્યો હતો. ગોળી મારી દીધા બાદ સચિને સુનિલના માથામાં બંદૂકથી ફટકા મારી દીધા હતા. બીજી તરફ ફાયરિંગના અવાજ બાદ લોકો બહાર દોડી આવ્યા હતા. જોકે, હત્યારાના હાથમાં બંદૂક હોવાથી તમામ લોકો ડરી ગયા હતા.

આ દરમિયાન કોઈએ 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, સચિને 108ના સ્ટાફને ઘાયલ સુનિલ સુધી પહોંચવા દીધો ન હતો. આ દરમિયાન આ વિસ્તારમાંથી પોલીસ પસાર થઈ રહી હતી. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે સચિનની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ સારવાર મળે તે પહેલા જ સુનિલનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. એવી પણ માહિતી મળી છે કે મૃતકની પત્ની હાલ પ્રેગનેન્ટ છે. સાથે જ તેણીએ પોતાના ભાઈને કડકમાં કડક સજા મળે તેવી માંગણી પણ કરી છે.