ભ્રષ્ટાચાર@છોટાઉદેપુર: કામ મનરેગાનું છતાં રોજગારી નહિ, લાખોના ખર્ચા ક્યાં ગયા? રેકર્ડ ઉપરની ગેરરીતિ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના હેઠળના કામો બીજા જિલ્લાથી કંઈક અલગ પડતાં હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના કામો નાની રકમના છે અને એક એક ગામમાં મોટા પ્રમાણમાં કામો થયા હોવાનું ઓનલાઇન રેકર્ડ આધારે જાણવા મળ્યું છે. હવે શું આ તમામ કામમાં કોઈ જ ભ્રષ્ટાચાર નથી એવું હશે ? શક્ય નથી કેમ કે ખુદ મનરેગાની ઓનલાઇન વિગતોનો અભ્યાસ કરતાં રેકર્ડ આધારે સામે આવ્યું કે, નામ મનરેગાનું પરંતુ રોજગારી ઝીરો રહી છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં તપાસ કરતાં અનેક કામો એવા મળ્યા કે જેમાં લેબર ખર્ચ 60 ટકા નહિ પરંતુ સાવ ઝીરો રહ્યો છે. એટલે કે લેબરનું ખાલી નામ પરંતુ લેબર ખર્ચ ઝીરો છે તો કેમ મનરેગા હેઠળ જે તે કામ લીધું હશે? આ સવાલ પણ ખૂબ અગત્યનો બન્યો છે.
મનરેગા યોજના હેઠળના કામોની અગાઉ કચ્છ જિલ્લામાં તપાસ બાદ અટલ સમાચાર ડોટ કોમ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં પણ કામો જોવામાં આવ્યા છે. જેમાં ક્વાંટ, સંખેડા, જેતપુર પાવી, બોડેલી, નસવાડી અને છોટાઉદેપુર જિલ્લાના અનેક કામોમાં રોજગારી ઝીરો રહી છે.
મનરેગા યોજના કમ એક્ટ મુજબ કોઈપણ કામમાં લેબર અને મટીરીયલ ખર્ચ બાબતે 60:40 ની જોગવાઇ છે. જોકે આ જોગવાઈ જિલ્લા મુજબ અથવા વર્ષ મુજબ જાળવવાની પણ વાત છે. જોકે કોઈ કામ એવું ક્યારેય એવું ના બને કે, રોજગારી ઝીરો હોય અને તમામ ખર્ચ મટીરીયલ ખરીદી પેટે થાય.
સૂત્રોએ જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર જિલ્લામાં રકમ નાની અને કામો ખૂબ થયા છે. ઓનલાઇન રેકર્ડનો અભ્યાસ કરતાં ધ્યાને આવ્યું કે, રકમ ભલે નાની હોય પરંતુ વર્ષ 2021-22 દરમ્યાનના અનેક કામોમાં લેબર ખર્ચ ઝીરો થયો છે અને હજારો લાખો રૂપિયા મટીરીયલ ખરીદી માટે ખર્ચાઇ ગયા છે. સમગ્ર મામલે મનરેગા લોકપાલ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.