બ્રેકિંગ@છોટાઉદેપુર: કરોડોની ખરીદીમાં પશુપાલન અધિકારી છેતરાઇ ગયા કે મૂકપ્રેક્ષક રહ્યા? ટેન્ડરમા આર.એ સેટિંગ્સનો પુરાવો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાને મળેલી અલગ અલગ વહીવટી મંજૂરીઓ પૈકી જે ખરીદીઓ થઈ તે મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિનરલ મિક્ષર કેટેગરીમાં વિવિધ ચીજવસ્તુઓની ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી થયેલ ખરીદીમાં બનાવટી ભાવ ઓફરનો ઘટસ્ફોટ થયો છે ત્યારે ખરીદનાર એવા નાયબ પશુપાલન નિયામક સામે સવાલો ઉભા થયા છે. કુલ 2 ટેન્ડરથી દોઢ કરોડથી વધુની ખરીદીમાં એજન્સીઓ વચ્ચે મિલીભગત થઈ અને 3 પૈકી 2 એજન્સીના કર્તાહર્તા એક જ છતાં પશુપાલન અધિકારીને ધ્યાને કેમ ના આવ્યું? શું બનાવટી ભાવ ઓફરની અથવા એજન્સીઓ વચ્ચે રિંગની તપાસ કરવામાં બેદરકારી દાખવી કે પછી ઈરાદાપૂર્વક મૂકપ્રેક્ષક રહી સરકારના નાણાં બચાવવામાં આળસ રાખી? જાણીએ સમગ્ર અહેવાલ.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકે તાજેતરમાં પશુપાલન સંબંધિત કેટલાક માલસામાનની ખરીદીઓ ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ પોર્ટલથી કરી છે. જેમાં ખાસ કરીને ટેન્ડર નં. GEM/2026/B/7388033 જેનો આર.એ નંબર એટલે કે ભાવ ઓફર નં. GEM/2026/R/664903 થી મિનરલ મિક્સર ફોર સપ્લિમેન્ટ્સ ક્વોન્ટિટી 21494 ની ખરીદી કરી હતી. આ ટેન્ડર સરેરાશ રૂ. 72 લાખનું છતાં એલ2 અને એલ3 એજન્સીએ એલ1ને મદદગારી કરવા બનાવટી અને નાટ્યાત્મક ભાવ ઓફર કર્યો હતો. આવી જ રીતે બીજુ ટેન્ડર નં. GEM/2026/B/7388148 થી પહેલાં ટેન્ડરની જેમ મિનરલ મિક્સર ફોર સપ્લિમેન્ટ્સની ખરીદી કરી જેનો આર.એ નંબર એટલે કે ભાવ ઓફર નં. GEM/2026/R/664901 અને બીડ વેલ્યુ સરેરાશ રૂ. 82 લાખ હેઠળ ખરીદી કરતાં દરમ્યાન ત્રણેય એજન્સીઓએ રિંગ કરી ત્યારે ખરીદનાર એવા નાયબ પશુપાલન નિયામક ગરાસીયાએ એજન્સીઓ વચ્ચેનું સેટિંગ્સ જાણીજોઈને શોધ્યું નથી. કેવીરીતે જાણો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ટેન્ડરમા કોમન એવી કૈરોઝ ફાર્મા અને ગોપીનાથ મેડિકલ કોર્પોરેશનના કર્તાહર્તા (અમદાવાદ) એક જ છે ત્યારે પોર્ટલમા માત્ર દેખાડો કરવા પૂરતું આર.એ કર્યું હતુ. આ બંને એજન્સીનો વેપારી પટેલ એક જ છે તેની સામાન્ય તપાસ કરી હોત તો સરકારના આ બંને ટેન્ડરમા ખૂબ મોટી નાણાંકીય રકમ બચાવી શકાતી હતી. જોકે કોઈ કારણસર ખરીદનાર એવા નાયબ પશુપાલન નિયામક અથવા તેમની કમિટીએ મૂકપ્રેક્ષક બની રહી અથવા બેદરકારી/આળસ દાખવી ત્યારે એજન્સીઓની રિંગને મોકળું મેદાન મળી ગયું છે. હવે આમાં સવાલ થાય કે, નાયબ પશુપાલન નિયામક છેતરાઈ ગયા કે છેતરાવા માટે મૂકપ્રેક્ષક રહી આડકતરી ખુલી છૂટ આપી હતી ??

