ચેતજો@સુરત: બે વર્ષનું બાળક ચીકુનો ઠળિયો ગળી ગયું, શ્વાસ નળીમાં ફસાઇ જતાં મોત

 
Surat Civil

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઉધના વિસ્તારમાં ચીકુ લઈને રમી રહેલું એક 2 વર્ષીય બાળક ચીકુનો ઠળિયો ગળી ગયું હતું. આ ઠળીયો તેના શ્વાસ નળીમાં ફસાઈ જતા બાળકની તબિયત લથડી હતી. પરિવાર બાળકને લઈને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત નીપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના વતની સંતોષભાઈ નાયક લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક 2 વર્ષનો પુત્ર રિષી તેમજ એક મોટી પુત્રી છે જે હાલ વતનમાં અભ્યાસ કરે છે. બુધવારે બપોરે 2 વર્ષીય બાળક રિષી ચીકુ સાથે રમી રહ્યો હતો આ દરમિયાન તેણે ચીકુને છુંદીને ઠળિયો મોઢામાં નાખી દીધો હતો. આ ઠળિયો તેના ગળામાં ફસાઈ ગયો હતો. જેને લઈને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, દીકરાની તબિયત લથડતા પરિવાર બાળકને ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું મોત નીપજ્યું હતું. લાડકવાયા દીકરાનું અકાળે મોત થતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઇ હતી. આ મામલે ઉધના પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.