દુ:ખદ@સુરત: વાલીઓ ચેતજો, જન્મ દિવસે ફુગ્ગો શ્વાસનળીમાં ફસાઈ જતા 5 વર્ષના બાળકનું મોત
અટલ સમાચાર, ડેસ્ક
માતા-પિતા માટે એકવાર ફરી લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં એક 5 વર્ષના બાળકનું ફુગ્ગો શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે મોત નિપજ્યું હતું. જે બાળકનું મોત થયું છે તેનું નામ કર્મ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, પોતાના નાના ભાઈના પ્રથમ જન્મ દિવસની ઉજવણી માટે તે ફુગ્ગા ફુલાવી રહ્યો હતો.
લોકો પોતાના બાળકોના જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે આવું આપણે ઘણીવાર સાંભળ્યું છે. પણ આ દરમિયાન કોઇ મોટી દુર્ઘટના બની જાય કે જે ખુશીને માતમમાં ફેરવી દે ત્યારે શું ? આવું જ કઇંક સુરતમાં બન્યું છે, જ્યા એક 5 વર્ષનો કર્મ પોતાના નાના ભાઈની જન્મ દિવસની ઉજવણીમાં ખૂબ જ ખુશ હતો. વળી ખુશી ત્યારે પણ બમણી બની ગઇ જ્યારે માતા-પિતાએ કર્મને પોતાના નાના ભાઈને રમાડતા જોયો. પણ આ ખુશી થોડી ક્ષણોની જ હતી. કર્મ પોતાના નાના ભાઈને ફુગ્ગા ફુલાવીને રમાડી રહ્યો હતો. તે ફુગ્ગો ફુલાવે અને પછી હવા કાઢી નાંખતો હતો આ રીતે તે તેના નાના ભાઈને હસાવી રહ્યો હતો. પણ આ દરમિઆન ફુગ્ગો ફૂટી ગયો અને ફુગ્ગાનો એક ભાગ કર્મની શ્વાસ નળીમાં ઉતરી ગયો. શ્વાસ નળીમાં ફુગ્ગો ફસાઈ જતા કર્મ બેભાન થઇ ગયો હતો.
પરિવારે કર્મને CPR આપવા સાથે પીઠના ભાગે મારી ફુગ્ગો કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તે હોશમાં ન આવતા તેને તુરંત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન કર્મનું મોત નિપજ્યું હતું. બાળકના મોતના સમાચારથી પરિવાર શોકમાં ગરકાવ કરી ગયો હતો. જ્યા એક સમયે નાના બાળકના જન્મ દિવસની ઉજવણીમાં માતા-પિતા ખુશ હતા અને પલભરમાં આ ખુશી મોટા બાળકના મોતના સમાચારથી માતમમાં ફેરવાઈ ગઇ હતી. નાના ભાઈનો જન્મ દિવસ મોટા ભાઈની પુણ્યતિથિ બની ગઇ.