ચકચાર@અમરેલી: પોલીસે શોધ્યું મોટું ષડયંત્ર, મૃત વ્યક્તિના નામે વીમાની રકમ લેવાનો કારસો

 
Rajula police

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં મૃત વ્યકિતના નામે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી પૈસા કમાવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ રાજુલામાં ડોકટર, વિમા એજન્ટ સહિતના લોકો મૃત વ્યકિતના નામે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી તેમના ખાતામાં વિમા પોલીસીઓ જમા કરી રકમ ચાઉં કરી જવાનુ નેટવર્ક ચલાવતા હતા. જોકે પોલીસે આ નેટવર્કનો પર્દાફાશ કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર કૌભાંડ 15 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. 

રાજુલા પંથકમાં એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ થતાં હડકંપ મચી ગયો છે. સમગ્ર કેસની વિગતો આપતા પીએસઆઇ એ.એમ.રાધનપરાએ જાતે ફરિયાદી બની આ અંગે ફરિયાદ કરી છે. વિગતો મુજબ ચાર શખ્સો રાજુલામા કાર લઇને જતા હતા ત્યારે પોલીસે તેમની તલાશી લેતા હડકંપ મચી ગયો હતો. આ સાથે કારમાંથી મોટા પ્રમાણમાં બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, વિમા પોલીસીઓ, બેંકની પાસબુકો, ચેકબુક વિગેરે મળી આવ્યું હતુ. 

જાણો કેવી રીતે થયો આ નેટવર્કનો પર્દાફાશ? 

પોલીસ તપાસમાં અંકુશ ભીખુભાઇ જીંજાળા નામના નાની ખેરાળીના યુવકનુ આધારકાર્ડ મળ્યું હતુ. જેનુ ચાર માસ પહેલા મોત થયુ હતુ. ઉપરાંત ભળતા જ નામવાળુ અર્જુન ભીખુભાઇનુ મોટી ખેરાળીનુ પણ આધારકાર્ડ મળ્યું હતુ. જેમા ડુંગરપરડાના લાલજી નાનજી બાંભણીયાનો ફોટો લગાવેલો હતો. આ શખ્સો જે વ્યકિત ગંભીર બિમાર હોય તેના પરિવારને લાલચમાં નાખી ડોકયુમેન્ટ મેળવી ભળતા સળતા નામવાળા બોગસ ડોકયુમેન્ટ પણ ઉભા કરતા હતા અને તેના નામની જુદીજુદી કંપનીમાથી પોલીસી લેતા હતા. 

આ દરમિયાન જ્યારે વ્યકિતનુ મોત થાય પછી આ પોલીસીઓની રકમ મેળવી બધા ભાગ પાડી લેતા હતા. આ રીતે સમગ્ર રાજુલા તથા આસપાસના વિસ્તારમા તેમણે મોટા પ્રમાણમા બોગસ પોલીસીઓ ઉભી કરી હતી. બોગસ ડોકયુમેન્ટના આધારે આ ચીટર ગેંગે જુદી જુદી વિમા કંપનીઓને 14 થી 15 કરોડનો ચુનો લગાડ્યો હોવાનુ તપાસમા ખુલવાની શક્યતા છે. આમ તો આ સમગ્ર નેટવર્ક મિલીભગતથી ચાલતુ હતુ અને બધાને ભાગ બટાઇનો લાભ મળતો હોય વિગતો છુપી રહી શકી હતી. પરંતુ ભાગ બટાઇમા વાંધો પડતા પોલીસ સુધી બાતમી પહોંચી હતી.

કોની કોની સંડોવણી ખૂલી શકે ? 

આ નેટવર્કમાં મૃત વ્યકિતઓના નામે વિમા પોલીસી લેવામા આવતી હતી. જેમા સરકારી વિમા કંપનીઓ પણ છે. આ ઉપરાંત બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ પણ નીકળ્યાં હતા. આમ સરકારી અને અર્ધ સરકારી એજન્સીઓની પણ સંડોવણી ખુલી છે. મહત્વનું છે કે, આ વિસ્તારના ગંભીર બિમારીવાળા અને બચી ન શકે તેવા દર્દીને ગોતી તેના પરિવારને વિમાની રકમ મળશે તેવી લાલચમાં નાખી તેમના તમામ ડોકયુમેન્ટ મેળવતા હતા. વિમા પોલીસી પાકે ત્યારે મૃતકના પરિવારને પણ થોડી રકમ આપવામા આવતી હતી.

Jaherat
જાહેરાત

કોની કોની સાથે નોંધાઈ ફરિયાદ ? 

ડુંગર ગામના ડોકટર હનુ પરમાર તથા લેબોરેટરી ચલાવતા અને વિમા એજન્ટ તરીકે કામ કરતા ડુંગરના વનરાજ મધુભાઇ બલદાણીયા, ભાવનગરના કાળીયાબીડમા રહેતા ઉદયસિંહ રાઠોડ અને ભાવનગરના તિલકનગરમા રહેતા જીતેશ હિમતભાઇ પરમાર નામના શખ્સો સામે ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, પોલીસે ઝડપાયેલા ડોકટર અને વિમા એજન્ટ સહિત ચાર શખ્સો પાસેથી રૂપિયા 15 લાખની કિમતની બે કાર, 10 મોબાઇલ, આધારકાર્ડ, પાનકાર્ડ, વિમા પોલીસીઓ, ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ વિગેરે મળી 16.08 લાખનો મુદામાલ કબજે લીધો છે.