ગંભીર@ગુજરાત: ગામમાં બે જુથ વચ્ચે અથડામણ, એક સગીરનું મોત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ફરી એકવાર જુથ અથડામણની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એકનું મોત થઈ ગયું છે. કોઈ બાબતે બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરી લેતા લોકો આવેશમાં આવીને એક બીજા પર હુમલા કરવા લાગ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. બનાવ અંગે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લાના સિહોરના વરલ ગામે જૂથ અથડામણમાં 16 વર્ષનો છોકરો ભોગ બન્યો છે. જૂથ અથડામણમાં મૃત્યુ પામેલા છોકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિહોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જૂથ અથડામણની ઘટનામાં ઘાયલ થયેલા એક વ્યક્તિને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવી છે. સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આ કેસમાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.