શ્રદ્ધા@બેચરાજી: ચૈત્રી પૂનમના ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ: પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

અટલ સમાચાર, મહેસાણા
યાત્રાધામ બેચરાજીમાં ચૈત્રી પૂનમના ત્રિદિવસીય લોકમેળાના પ્રથમ દિવસે એટલે કે આજે બુધવારે સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. બેચરાજીના માર્ગો અને મંદિર પરિસરમાં હાથમાં લાલ ધજા અને પગપાળા સંઘો સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થતાં ભક્તિમય માહોલ જોવાં મળી રહ્યો છે. મા બહુચરનાં પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ પગપાળા પણ બેચરાજી પહોંચી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીમાં ચૈત્રી પૂનમના ત્રિદિવસીય લોકમેળાની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈ મંદિરમાં પોલીસ કવાર્ટર પાસેના દરવાજેથી દર્શનાર્થીઓને અને માનસરોવર દરવાજેથી સંઘોને પ્રવેશ અપાઇ રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ દરવાજેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરાઇ છે. માનાં શાંતિથી દર્શન થઇ શકે તે માટે બુધવારે વહેલી સવારે 5-30 થી ગુરુવારે પૂનમની રાત્રે માતાજીની સવારી શંખલપુર જઇ પરત આવે ત્યાં સુધી મંદિરનાં દ્વાર સતત ખુલ્લાં રહેશે તેમ નાયબ વહીવટદારે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભક્તોને ગરમીમાં તકલીફ ન પડે તે માટે મંદિર પરિસરમાં લાલજાજમ બિછાવાઇ છે. બંદોબસ્તમાં 721 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. બુધવારે ધારાસભ્ય સુખાજી ઠાકોરના હસ્તે જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, યાર્ડના ચેરમેન વિજય પટેલ, મંદિરના વહિવટદાર એસ.ડી. પટેલ સહિતની હાજરીમાં શાત્રોક્ત વિધિ મુજબ ચૈત્રી લોકમેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સાથે મંદિર પરિસર, ચાર દરવાજા, હાઈવે સર્કલ, દર્શનપથ, મુખ્ય પ્રવેશદ્વાર, ચૌલક્રિયા ભવન, મુખ્ય બજાર અને એરાઈવલ પ્લાઝા સહિત યાત્રિકોથી ધમધમતાં સ્થળો પર 65 સીસીટીવી કેમેરા ગોઠવાયાં છે.