બ્રેકિંગ@ફતેપુરા: માહિતી નહિ આપતાં ટીડીઓ વિરુદ્ધ કમિશ્નરની કાર્યવાહી, દંડ ફટકારતાં પંચાયતમાં દોડધામ

 
Fatepura
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકા પંચાયતમાં રાજકીય અને વહીવટી સાંઠગાંઠ વચ્ચે અનેક અરજદારો લડત ચલાવી રહ્યા છે. જેમાં ખાસ તો માહિતી અને રજૂઆતમાં તાલુકા પંચાયતના વલણ સામે અનેક ફરિયાદો ગાંધીનગર પહોંચી છે ત્યારે ગઈકાલે એક સુનાવણીમાં ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. માહિતી આયોગની ઓનલાઇન સુનાવણીમાં ફતેપુરા તાલુકા પંચાયતે સ્થાનિક અરજદારને માહિતી કેમ નથી આપતાં તે બદલ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમ્યાન તાલુકા પંચાયતમાંથી ઉપસ્થિત કર્મચારી અંસારી અને અરજદારની વિગતો આધારે માહિતી કમિશ્નરે કડક કાર્યવાહી કરી હતી. બાબા ખત્રી નામે મંડળી બાબતની માહિતી નહિ આપવા બદલ તાલુકા પંચાયતને દંડ ફટકારવાનો નિર્ણય થયો હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે. 
ગઈકાલે શુક્રવારે ગુજરાત માહિતી આયોગ દ્વારા ફરિયાદો, અપીલ કેસો મામલે ઓનલાઇન સુનાવણી ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન દાહોદ જિલ્લાની પણ વિવિધ અપીલ આવતાં ફતેપુરા તાલુકાના સાગડાપાડાની બાબા ખત્રી નામે મંડળીની માહિતીનો કેસ આવ્યો હતો. સ્થાનિક અરજદારે ગત 2022 દરમ્યાન ફતેપુરા તાલુકા પંચાયતને અરજી કરી બાબા ખત્રીની મંડળીને આપેલ કામ, ચૂકવણું સહિતની માહિતી માંગી હતી. જોકે પ્રથમ અરજી અને એક અપીલ છતાં ફતેપુરા તાલુકા પંચાયતે માહિતી નહિ આપતાં ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ કરી અરજદારે કેસ મૂક્યો હતો. જેની સુનાવણીમાં આખરે માહિતી આયોગે કડક વલણ અપનાવી અરજદારને માહિતી નહિ આપતી ફતેપુરા તાલુકા પંચાયતના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી અપીલના કેસમાં અરજદાર સામે હાજર તાલુકા પંચાયતના કર્મચારી અંસારીને કમિશ્નરે સવાલો કર્યા હતા. આખરે કેસની વિગતો અને સુનાવણીની પરિસ્થિતિ આધારે કમિશ્નરે તાલુકા પંચાયતને દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારને સમયમર્યાદામાં માહિતી નહિ આપનાર ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સામે દંડનીય કાર્યવાહી થઈ છે. માહિતી આયોગે ચોક્કસ રકમનો દંડ ફટકારતાં પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમ્યાન તાલુકા પંચાયતના અંસારીએ દલીલ મૂકી હતી કે, તત્કાલીન ટીડીઓ નહોતા અને માહિતી નહિ આપવામાં પોતાની ભૂલ નથી પરંતુ માહિતી આયોગે સમગ્ર મામલે ફતેપુરા તાલુકા પંચાયતના ટીડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી યથાવત રાખી દંડનીય નિર્ણય કરી લીધો હતો. આ બાબતે અરજદારે ગુજરાત માહિતી આયોગની પારદર્શક કામગીરી બિરદાવી પણ હતી.