રિપોર્ટ@ધાનપુર: મનરેગામાં કૌભાંડની ફરિયાદ કરજો, નેતાજીએ કહ્યું, મટીરીયલ એજન્સી મારી નથી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા અને દેવગઢ બારીયા સહિતના તાલુકામાં અવાર નવાર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની બૂમરાણ મચે છે. આવા સંજોગોમાં ધાનપુર તાલુકામાં મનરેગાના રીપોર્ટ વિશે તમારે ખાસ જાણતા રહેવું પડે. ધાનપુર તાલુકામાં સૌથી વધુ અને સૌથી ઝડપી આવતી મનરેગા ગ્રાન્ટ ઘણું જણાવી રહી છે. મંત્રીજીનો વિસ્તાર હોવાથી મનરેગાનો વિકાસ ખૂબ થાય પરંતુ મંત્રી કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર ચલાવી લે ખરા ? એટલે જો ધાનપુર તાલુકામાં મનરેગાના કામોમાં લાલિયાવાડી જણાય તો કોઈ ડર રાખવાનો નથી. કેમ કે, નેતાજીએ મોટી સ્પષ્ટતા કરી દીધી છે. સંગઠનનાં આગેવાન અને મંત્રી પુત્ર સાથે મનરેગાનો મુદ્દો ચર્ચતા કિરણ ખાબડે જણાવ્યું કે, મટીરીયલ એજન્સી પોતાની નથી. એટલે એક વાત સ્પષ્ટ બને કે, મનરેગા થકી કરોડપતિ થયેલા કરારી અને કરારીના મળતિયા વિરુદ્ધ જો સાચી અને ધોરણસરની ફરીયાદ કરવા આગળ આવશો તો નેતાજી પણ મદદ કરી શકે. આવો જાણીએ ધાનપુરથી મનરેગાનો એવો રિપોર્ટ કે ગાંધીનગર વાળાને પણ ઉપયોગી બને.
દાહોદ જિલ્લામાં ભલે કડક ડીડીઓ આવે અને વહીવટી મંજૂરી આપવાથી લઇને ગ્રાન્ટ મામલે પણ કડક રહે, પરંતુ ધાનપુર તાલુકામાં મનરેગાની હરણફાળ કોઈ રોકી શકે નહિ. આથી હવે આખા દાહોદ જિલ્લામાં સૌથી વધુ ધાનપુર તાલુકામાં આવતી મનરેગા ગ્રાન્ટ અને તેની સામે કામો સમજવા પડશે. કેટલાક દિવસો પહેલાં મનરેગા નામે વાયરલ તોડકાંડનો વિડિયો આવ્યો, આ પછી એક યુવકે લેખિતમાં મનરેગાના કામોમાં બેનંબરી ભાવપત્રક જાહેર કરી દીધું. આ બંને ઘટના મંત્રીજીના મત વિસ્તારની હોવાથી શું છાપ બગાડવા બની હતી? ના એવું નથી, હકીકતમાં મનરેગા થકી કરારી અને તેના મળતિયાઓ મોટા પ્રમાણમાં અને ઝડપથી ધનપતિ થવામાં લાગ્યા તેનો ઈશારો કરતી આ ઘટના છે. આ બાબતે જ્યારે મંત્રીજીના પુત્ર અને પાર્ટીના આગેવાન કિરણ ખાબડને પૂછતાં જણાવ્યું કે, મનરેગા માટેની મટીરીયલ એજન્સી પોતાની નથી. એટલે જો, મટીરીયલ એજન્સીના જોરે કરારી કે તેના મળતિયા ભ્રષ્ટાચાર કરતાં જણાય તો સીધી ડીડીઓને ફરિયાદ કરી શકો.
સૂત્રોએ જણાવ્યું કે, ધાનપુર તાલુકામાં મનરેગાની અબજો રૂપિયાની ગ્રાન્ટ થકી કેટલા કામો હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર થાય છે? કેટલી અને કેવી ગુણવત્તા જળવાય છે ? લેબર અને મટીરીયલ રેશિયાનો વારંવાર ભંગ થાય છે ? મટીરીયલ એજન્સીના કરોડોના બીલોની ચૂકવણી પછી જીએસટી નિયમોનુસાર ભરાય છે ? ટીડીઓ અવાર નવાર સ્થળ વિઝીટમા જાય છે કે કેમ ? પીજી ગ્રીવાન્સ પોર્ટલ ઉપર ફરિયાદ આવે છે તો યોગ્ય નિકાલ થાય છે ? આ તમામ સવાલો ધાનપુર તાલુકામાં મનરેગાના પારદર્શક અમલીકરણ અને ખાસ તો અબજો રૂપિયાની આવતી ગ્રાન્ટને કારણે આ સવાલો જાણવા અને સમજવા અગત્યના છે. હવે આવતાં રિપોર્ટમાં જાણીશું મનરેગાના કામોના કોણે પાડ્યા ભાવ અને કેવા ચાલે ભાવ વિશેનો સ્પેશિયલ અહેવાલ જાણીશું.