અથડામણ@બનાસકાંઠા: બે જૂથો વચ્ચે જમીન અંગે મારામારીમાં 12 લોકો સામે ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો ?
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠાના ધરનોધર ગામમાં જમીન બાબતે બે સમાજના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયુ છે. જમીન બાબતે બે સમાજના લોકો વચ્ચે લાકડીઓથી અને છૂટા હાથની મારામારી થઇ હતી. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને જે બાદ હાલ ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે. છુટા હાથની મારામારીમાં બે સમાજના આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ધાનેરા તેમજ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધાનેરા પોલીસ સ્ટેશનમાં સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે એવી પણ માહિતી મળી રહી છે કે, આ બંને સમાજના લોકો વચ્ચે જમીન માટે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ પહેલા પોલીસે પણ બંને સમાજના લોકો વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ. જોકે તે બાદ ફરીથી બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયુ હતુ. આ જમીન એક વ્યક્તિએ વેચાણથી લીધી હતી જે બાદ અન્ય સમાજના લોકો આવીને આ જમીન પર કબજો જમાવવા માટે આવ્યા હતા. જેના કારણે આ ઘીંગાણું થયુ હતુ. આ ઘીંગાણાના વાયરલ વીડિયોમાં પુરુષો સાથે મહિલાઓ પણ હાથમાં લાકડીઓ લઇને એકબીજા સામે પ્રહાર કરી રહ્યા છે. પોલીસ દ્વારા બંને સમાજના લોકોને સમજાવીને સમાધાન કરાવાયુ હતુ. ત્યારે હવે બંને સમાજ તરફથી સામસામે ફરિયાદ નોંધાવાઇ છે.