હડકંપ@ચોટીલા: મનરેગામાં ભ્રષ્ટાચાર મામલે સરપંચ-તલાટી સહિત 20 સામે લાખોની ઉચાપતની ફરિયાદ
અટલ સમાચાર, ડેસ્ક
ચોટીલાના પીપરાળીમાં મનરેગા હેઠળના કામોમાં ભ્રષ્ટાચારને લઈ સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. પીપરાળીમાં મનરેગા હેઠળ સિંચાઈ માટે કુવા અને તળાવ ઊંડું ઉતારવાની કાગળ પર કામગીરી દર્શાવીને ભ્રષ્ટાચાર કરાયો હતો. આથી પીપરાળી ગામના સરપંચ, તલાટીમંત્રી, તત્કાલીન મેટ કારકુન, તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર, તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર અને મટીરીયલ સપ્લાયર વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પીપરાળીના ધાધલ સુરેશભાઈ વસ્તુભાઈએ વર્ષ 2022માં મનરેગા યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદ કરાતાં લોકપાલ સુરેન્દ્રનગર દ્વારા 18 ઓક્ટોબર 2022 ના રોજ પ્રાથમિક તપાસ અને બીજી નવેમ્બર 202 ના રોજ વિગતવાર તપાસ અને 6 જાન્યુઆરી 2023ના રોજ રૂબરૂ તપાસ અંગેના સંદર્ભ દર્શિત પત્રોનો અહેવાલ કરાયો હતો.
જેમાં કરમશી શિવા સાકરીયાના ખેતરમાં કૂવાના કામ વહીવટી મંજૂરીની રકમ રૂ.6,76,350, પીપરાળી ગામે સર્વે નંબર 329માં હેમા મુળા બામણીયાના ખેતરમાં કૂવો બનાવવાની કામગીરી વહીવટી મંજૂરીની રકમ 6,77,880, જીવણ મોતી બાંભણિયાના ખેતરની બાજુમાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી વહીવટી મંજૂરીની રકમ રૂપિયા 6,60,582 અને સરપંચ વિનોદભાઈ મૂળજીભાઈના ખેતરમાં સિંચાઈ માટે કુવાનું કામ વહીવટી મંજૂરીની રકમ રૂ.6,76,350ના કામો મંજૂર કરાયા હતા. જેમાં હોદ્દાનો દુરપયોગ કરનારા તેમજ મટીરીયલ્સ સપ્લાયર ચામુંડા કન્સ્ટ્રકશન ચોટીલા વિરુદ્ધ રૂ.26.91 લાખની ફરિયાદ દાખલ કરી હતી.
કોની કોની સામે નોંધાઈ ફરિયાદ ?
દુદા આલા ચાવડા (તત્કાલીન સરપંચ)
વિનોદ મનજી સાકરીયા (વર્તમાન સરપંચ)
સવજી મનજી (મેટ કારકુન)
હરેશ કરમશી (મેટ કારકૂન)
ભરત ભાવા (મેટ કારકુન)
ડાયા હેમા સાકરીયા (મેટ કારકૂન)
મનસુખ માવજી (મેટ કારકુન)
મુકેશ મગન (મેટ કારકુન)
મુકેશ હેમા (મેટ કારકુન)
હરેશ વિના (મેટ કારકુન)
દિનેશ ભાવા (મેટ કારકુન)
હરેશ કરમશી (મેટ કારકુન)
ભુપત કડવાભાઈ (મેટ કારકુન)
છગન એમ સેજાણી (તા.પં. ચોટીલા જી.આર.એસ)
અસ્લમ સુમરા (તલાટી કમ મંત્રી)
બાબુલાલ પરમાર (તલાટી કમ મંત્રી)
ડાયા એમ જીડીયા (ઇન્ચાર્જ ટેકનિકલ આસિસ્ટન્ટ)
કિરણ ડી જીડીયા ( ટેકનિકલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર)
નિલેશ એમ અલગોતર ( આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર)
વિનુ સંઘા પરમાર (શ્રી ચામુંડા કન્સ્ટ્રકશન મટીરીયલ સપ્લાયર)