ખળભળાટ@દાહોદ: મનરેગાની મંજૂરી પેટે 1.17 લાખ પડાવ્યાની પોલીસમાં ફરિયાદ, કામ ના મળ્યું અને નાણાં પણ ગયા, સ્પેશિયલ રિપોર્ટ

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં બળવંત લબાના વિરુદ્ધની બૂમરાણ હવે જિલ્લા પંચાયત બાદ પોલીસ સ્ટેશને પહોંચી છે. ફતેપુરા તાલુકાના એક નાગરિકે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે કે, મનરેગાના કામોની ફાઇલ પાસ કરવા તત્કાલીન એપીઓ અને તેના મળતિયાએ 1લાખ 17 હજાર પડાવ્યા હતા. ગેરકાયદેસર નાણાં પડાવ્યા બાદ કામોની મંજૂરી તો ના મળી અને ઉપરથી નાણાં પણ દબાવી લીધા હોવાની ફરીયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ફરિયાદમાં પણ સસ્પેન્ડેડ એપીઓ, તેનો સાગરીત પ્રવિણ અને બળવંત લબાનાનો પણ ઉલ્લેખ હોવાથી મામલો ગંભીર બની ગયો છે. બળવંત અને તેની ટોળકીએ મનરેગાના નામે કરોડોની ઉઘરાણી કર્યાની આ ફરિયાદ ઘણું બધું જણાવી રહી છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ.....
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાન મનરેગા હેઠળ વિવિધ કામોની વહીવટી મંજૂરી બાબતની ફાઇલો જિલ્લા તાલુકા વચ્ચે ચાલતી હતી. આ દરમ્યાન વાંદરિયાપૂર્વ ગામના દિનેશભાઇ કટારાએ પણ ગામના વિકાસ માટે મનરેગા હેઠળ કામો કરાવવા દોડધામ કરી હતી. જોકે ફતેપુરા તાલુકામાં એ વખતે એપીઓ રીપલ ગારી અને તેનો સાગરીત પ્રવિણ ઉર્ફે કાળુ પારગી મનરેગાની ફાઇલો દીઠ ગેરકાયદેસર અને દબાણ કરી, ગેરમાર્ગે દોરી ઉઘરાણી કરતાં હતા. આથી દિનેશ કટારાના મનરેગાના કામોની ફાઇલ પણ ફતેપુરા તાલુકામાં પહોંચી હતી. આ દરમ્યાન તત્કાલીન એપીઓ રીપલ ગારીએ પ્રવિણ ઉર્ફે કાળુ પારગીને રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતુ. આથી દિનેશ કટારાએ એપીઓના કહ્યા મુજબ પ્રવિણ ઉર્ફે કાળુ પારગી સાથે વાત કરતાં પ્રવીણે જણાવ્યું કે, " હું રીપલ ગારી અને બળવંત લબાનાનો વહીવટ કરૂં છું. તમારી ફાઇલ પાસ કરાવવા દોઢ લાખ આપવા પડશે"
સૂત્રોએ જણાવ્યું હતું કે, દિનેશ કટારા સાથે વાતચીતના અંતે પ્રવિણ ઉર્ફે કાળુ પારગીએ 1 લાખ 17 હજાર પડાવી લીધા હતા. આ પછી ખૂબ સમય વીતી ગયો છતાં સદર મનરેગાના કામોની મંજૂરી નહિ આવતાં દિનેશ કટારાએ ઉપર જણાવ્યા મુજબની લેખિત ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશનને આપતાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે. આ બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનના જમાદાર અર્જુનભાઈએ જણાવ્યું કે, હા ફરિયાદ અરજી આવી હોઈ નિવેદનો મેળવી ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે આ અરજીની વિગતો જોતાં એક વાત સ્પષ્ટ ઉભી થાય કે, અરજદાર પોલીસ સ્ટેશને આવા ગંભીર અને ચોંકાવનારા આક્ષેપોની ફરીયાદ આપી તો ખરેખર આવો બનાવ બન્યો હશે ? જો આ બનાવમાં થોડી પણ સત્યતા આવે તો તત્કાલીન એપીઓ રીપલ ગારી, તેનો મળતિયો પ્રવિણ ઉર્ફે કાળુ પારગી અને બળવંત લબાનાએ આવી રીતે કરોડોની ગેરકાયદેસર ઉઘરાણી કેટલી કરી હશે ? જો આ ફરિયાદ અરજી આધારે ધોરણસરની અને નિષ્પક્ષ તપાસ થાય તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે અને ગેરકાયદેસર વહીવટ કરતા/કરાવતા હોય તેવાનો પર્દાફાશ પણ થઈ શકે છે.