ખળભળાટ@મહીસાગર: મનરેગા એપીઓનો મહાકાંડ? જૂના ટીડીઓની ડીજીટલ સહી મેળવી 1 કરોડ ચૂકવ્યાની ફરિયાદ

 
Magisagar

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર મનરેગાના ચોંકાવનારા વહીવટનો રોચક ઘટનાક્રમ સામે આવ્યો છે. અગાઉથી જ વિવાદાસ્પદ સંતરામપુર તાલુકાના મનરેગા એપીઓએ જૂના ટીડીઓની ડીજીટલ સહીથી એક કરોડની ગ્રાન્ટ ચૂકવી દીધી હોવાની રજૂઆત અને પછી તપાસથી હડકંપ મચી ગયો છે. તાજેતરમાં બદલી થયેલા અનેક ટીડીઓ સાથે સંતરામપુર ટીડીઓ ભરવાડની પણ બદલી થઈ ત્યારે ચાર્જ છોડી દીધા પછી ટીડીઓ ભરવાડની ડીજીટલ સહી મેળવી એપીઓ અજય પટેલે સ્વયં ટીડીઓ બની ગ્રાન્ટ ચૂકવી દીધાની તપાસ અનેક સવાલો ઉભા કરે છે. ઇન્ચાર્જ નિયામકે જણાવ્યું કે, તપાસ ચાલુ છે અને વિગતો મેળવી રહ્યા છીએ. જોકે સંતરામપુરના કોઈ નાગરિકે છેક દિલ્હી ફરિયાદ કરી હોવાના કાગળો પણ વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા પંચાયતના અગાઉ ટીડીઓ ભરવાડ દરમ્યાન મનરેગાનો વહીવટ ખૂબ વિવાદમાં આવ્યો હતો. આ પછી રાજ્યમાં એકસામટા અનેક ટીડીઓની બદલી સાથે ટીડીઓ ભરવાડની પણ બદલી ત્યાં બાદ ચાર્જ છોડી દીધા પછી ખળભળાટ મચાવી દેતી ઘટના બની છે. સ્થાનિક નાગરિકે કરેલી ફરીયાદ અને નિયામકે શરુ કરેલી તપાસમાં જોઈએ તો સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે ભરવાડે ચાર્જ છોડ્યા પછી મનરેગા એપીઓ અજય પટેલે અચાનક જ ટીડીઓ ભરવાડની ડીજીટલ સિગ્નેચર મેળવી એક કરોડની ગ્રાન્ટ ચૂકવી દીધાનો આરોપ છે. ફરીયાદીની રજૂઆતમાં જણાવ્યું છે કે, ચાર્જ છોડી દીધા પછી નવા ટીડીઓની ડીજીટલ સહી સિવાય ચૂકવણું થાય નહિ, આમ છતાં કરારી અજય પટેલે એક કરોડ કેમ અને કેવી રીતે ચૂકવી દીધા તેવા ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કરાર આધારિત એપીઓ અજય પટેલ સંતરામપુર તાલુકામાં મનરેગાનો વહીવટ એકહથ્થુ અને આપખુદ તરીકે ચલાવતાં હોવાની વર્ષોથી બૂમરાણ છે. આ બૂમરાણને જાણે સમર્થન આપતી કથિત ઘટનાની તપાસ નિયામકે શરૂ કરી છે. જોકે હજુપણ સૌથી મોટો સવાલ છે કે, અજય પટેલે જૂના ટીડીઓની ડીજીટલ સહીથી ચૂકવણું કર્યાની ફરિયાદને ઘણાં દિવસો વીતી જવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય કે કાર્યવાહી સામે આવી નથી. જાણકારોના મતે નિયામક ઇન્ચાર્જ છે અને ડીડીપીસી ક્યારેય માહિતી આપતાં નથી. વાત આટલી નથી, સંતરામપુર તાલુકામાં મનરેગાનો અસલી વહીવટ કોણ કરે અને કોના આશીર્વાદથી તેમજ મોટા નેતાની ભૂમિકા જોઈ ઘણાંને એસીબી કરતાં સાહેબનો ખૌફ વધારે છે એટલે મનરેગાના કરારી બાહુબલી બન્યા છે.