ગંભીર@સંતરામપુર: મનરેગાના વહીવટ સામે ફરિયાદો ઓછી નથી, કરોડોના ટ્રાન્ઝેક્શનની તપાસ માંગતા 16 સવાલો રજૂ કર્યા

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં મનરેગાનો વહીવટ કેટલો પારદર્શક છે એ ડીડીઓ અને નિયામક જ વધુ સ્પષ્ટ રીતે જણાવી શકે પરંતુ તાલુકામાંથી જે રીતે અને જેટલી સંખ્યામાં ફરિયાદો જિલ્લા સુધી જઈ રહી છે તે જોતાં પારદર્શકતા સામે જ શંકાઓ વધુ ઘેરી બનતી જાય છે. એક કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કર્યાની તપાસ ચાલુ છે ત્યારે સ્થાનિક અરજદારે એકસાથે 16 સવાલો રજૂ કરી ગ્રામ વિકાસ એજન્સીને મજબૂત તપાસ કરવા મદદ આપી છે. તત્કાલીન ટીડીઓની બદલી અને ચાર્જ છોડ્યા પછી શું કોઈએ ગેરકાયદેસર રીતે એક કરોડથી વધુની મટીરીયલ ગ્રાન્ટ ઠેકેદારને આપી દીધી હતી ? જો આપી હતી તો કેવી રીતે ડીજીટલ કી નો દૂરૂપયોગ અથવા સેટિંગ્સ પાડી શકે? આ સવાલો સંતરામપુર તાલુકામાં મનરેગાનો સ્વચ્છ વહીવટી ઈચ્છતા માટે મહત્વના બન્યા છે. મોટી વાત તો એ બની કે, અરજદારે જે 16 સવાલોની ઝડી વરસાવી તેમાં ડીજીટલ કી આપી/મેળવી અને જોગવાઈ વિરુદ્ધ મટીરીયલ ગ્રાન્ટ કેવી રીતે ટ્રાન્સફર થાય તેની એક રીતે મોડસ ઓપરેન્ડી ખુલી પાડે તેવો સિલસિલેવાર પત્ર નિયામકથી માંડી કલેક્ટરને રજૂ કર્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ઘણાં સમયથી મનરેગાના કામો ખૂબ મોટી સંખ્યામાં થાય છે એટલે જ અહીં મટીરીયલ એજન્સીઓ ટેન્ડર માટે તલપાપડ હોય છે. હવે આ સ્વાભાવિક છે પરંતુ હમણાં જે રાજ્યભરમાં ટીડીઓની બદલીઓ થઈ તેમાં સંતરામપુર તાલુકામાં ટીડીઓની બદલી અને મનરેગાની કરોડોની ગ્રાન્ટ આપી દેવાનું કનેક્શન બરોબર તપાસમાં આવી ચડ્યું છે. શરૂઆતમાં કોઈ સ્થાનિકે ધડ માથાં વગરની અરજી કરી અને પછી વાત નિયામક સુધી પહોંચી એટલે પ્રાથમિક તપાસ શરૂ થઈ, પરંતુ હવે ગત 28 ડિસેમ્બરે સંતરામપુર તાલુકાના વાડી વિસ્તારના નાગરિકે જે ફરિયાદ કરી તે ચોંકાવનારી અને કડક તપાસ માટે મદદરૂપ બને તેવી છે. અરજદારે ડીજીટલ કી દ્વારા ટ્રાન્સફર થયેલ એક કરોડથી વધુ ગ્રાન્ટ બાબતે પારદર્શકતા નથી તે બતાવવા ઘટના સંબંધિત 16 સવાલો રજૂ કર્યા છે. કુલ 5 પેજની ફરીયાદની વિગતો વાંચતા સંતરામપુર તાલુકા મનરેગાના આકાઓ વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થઇ ગયા છે. હવે સૌથી મોટી નજર નિયામક અને ડીડીઓ કચેરીની કામગીરી ઉપર બને છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે આ કથિત કૌભાંડની ફરિયાદ ઉઠી અને તપાસ શરૂ કરાઇ ત્યારે નિયામકનો ચાર્જ ડીવાયડીડીઓને હતો. જોકે આ ડેપ્યુટી ડીડીઓના હાથે તપાસ પૂર્ણ થાય તે પહેલાં રાજ્યભરમાં બદલીઓ આવી તેમાં મહીસાગર ગ્રામ વિકાસ એજન્સીને રેગ્યુલર નિયામક મળી ગયા. હવે નવા આવેલા મહિલા નિયામક પાસે નવા અને જૂના સહિતના અરજદારોને આશા છે કે, સંતરામપુર તાલુકા મનરેગાના આ કથિત કૌભાંડ અને શંકાસ્પદ ડીજીટલ કી વહીવટી બાબતે રજૂ કરેલ કુલ 16 સવાલોના પણ જવાબ લેવાય તો મોટો ઘટસ્ફોટ શક્ય બને તેમ છે. વાત આટલી નથી, જો કરોડોની ગ્રાન્ટ આપી દેવાની ઘટના બરાબર હોય તો કોઈ નાગરિક આટલી મોટી ગંભીર ફરિયાદ કેમ કરે?