વિરોધ@સુરત: જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં MLA અનંત પટેલની હાજરીમાં કોંગ્રેસના ધરણા-પ્રદર્શન
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં સરકારની “જ્ઞાન સહાયક ભરતી યોજના”ના વિરોધમાં કોંગ્રેસના ધરણા-પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતાં. તેમણે કહ્યું કે, 11 મહિનાના કરાર એ ગુલામી પ્રથા છે. લાયક ઉમેદવારોને આ રીતે નોકરી આપવી તેના માટે અમે તમામ જગ્યાએ વિરોધ કરી રહ્યાં છીએ. ઉગ્ર કાર્યક્રમ પણ કરીશું.
કોંગ્રેસના ધરણા-પ્રદર્શનમાં શિક્ષકો પણ જોડાયા હતાં. સુરતના અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ ખાતે ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ હાથમાં પ્લે કાર્ડ સાથે કોંગ્રેસની સાથે શિક્ષકોએ દેખાવ કર્યા હતાં. કરાર આધારિત શિક્ષકોની ભરતી રદ કરવા માંગ કરી હતી. ધરણાં-પ્રદર્શન કાર્યક્રમમાં શહેર-જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાયા હતાં.
સુરત શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતનાં ભાજપ સરકારની અન્યાયી “જ્ઞાન સહાયક” યોજના વિરુદ્ધ યુવા ધારાસભ્ય અનંતભાઈ પટેલનાં આગેવાનીમાં “રેલી અને પ્રતીક ધરણાં” નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અનંતભાઈએ કહ્યું કે, સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરાશે.