ગંભીર@માંડલ: અહિંના ઔદ્યોગિક ઝોનમાં કોનોકાર્પસ વૃક્ષ રાખવાની મંજૂરી કે મજબૂરી?, ખુદ RFO અજાણ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
માંડલ તાલુકામાં એક ચોંકાવનારી અને ગંભીર સવાલો ઉભા કરતી વિગતો સામે આવી છે. રાજ્ય સરકારે પરિપત્ર કરી તાત્કાલિક અસરથી કોનોકાર્પસ વૃક્ષ દૂર કરવા સુચના આપી પરંતુ અહીંના ઔદ્યોગિક ઝોનમાં કોનોકાર્પસ કાયદેસર છે કે હટાવવાની જોગવાઈ નથી તેવી નોબત બની છે. એમાં પણ ખુદ મહિલા આરએફઓ કહે છે કે, પરિપત્ર મુજબ અમારા વનવિસ્તારમાં કોનોકાર્પસ દૂર કરવાના પરંતુ અમારે ત્યાં નથી જ્યારે ઔદ્યોગિક ઝોનમાં તો ઉદ્યોગકારે જોવું પડે. આ જવાબથી એવું બન્યું કે, કોનોકાર્પસ વૃક્ષ જો વનવિભાગ હસ્તક હોય તો પર્યાવરણને નુકસાન કરે જ્યારે માલિકીના ઝોનમાં શું નુકસાન ના કરે? આવો જાણીએ સમગ્ર અહેવાલ.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના હાંસલપુર ગામ નજીક આવેલી સુઝુકી સહિતના ઔદ્યોગિક ઝોનમાં નુકશાનકારક અને પરિપત્ર વિરુદ્ધના વૃક્ષોની હારમાળા છે. આખા ગામને દેખાતી આ હારમાળા માંડલ તાલુકા રેન્જ ફોરેસ્ટ કચેરીને ધ્યાનમાં નહિ હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાઇવે પર સ્પષ્ટ રીતે દેખાતાં પરિપત્ર વિરુદ્ધના આ કોનોકાર્પસ વૃક્ષો આજેપણ અડીખમ કેમ તે ગંભીર સવાલ બનતાં માંડલના મહિલા આરએફઓએ જણાવ્યું કે, અમને ખબર નથી પરંતુ જો હોય તો ઉદ્યોગકારે અથવા ખેડૂતે દૂર કરવા પડે, જો એ ના કરે તો અમે સુચના આપીએ. જોકે આટલુ જણાવતાં આરએફઓ મહાકાય કંપનીના પટાંગણમાં ઉભા ગેરકાયદેસર વૃક્ષો હટાવવા અસમર્થ રહ્યા છે. જેમાં સૌથી મોટી વાત બહાર આવી કે, રૂળા અને રળિયામણાં લાગતાં આ કોનોકાર્પસ અબજો ખરબો વાળાં ઔદ્યોગિક ઝોનમાંથી દૂર નહિ થવા બાબતે મજબૂરી અથવા સાહસનો સવાલ કરે છે. વાંચો નીચેના ફકરામાં કોની કેવી મજબૂરી ?
સૂત્રોએ જણાવ્યું હતું કે, કોનોકાર્પસ વૃક્ષ ઉપરના સંશોધનો આધારે ગુજરાત સરકારે નિર્ણય કરી પરિપત્ર કરી દીધો કે, તાત્કાલિક અસરથી આ કોનોકાર્પસ વૃક્ષો દૂર કરો. હવે આ પરિપત્રનુ અર્થઘટન માંડલ આરએફઓ એમ કરે છે કે, કોનોકાર્પસ વૃક્ષો વનવિસ્તારમાં હોય તો અને વનવિભાગને હસ્તક હોય તો દૂર કરવાના છે. હવે આ કોનોકાર્પસ વૃક્ષોને એવું તો ના હોય કે, વનવિભાગને હસ્તક હોય તો નુકસાનકારક અને ઘરમાં, ખેતરમાં કે ઔદ્યોગિક એકમોમાં હોય તો સરસ ? એવું શક્ય નથી. આવી સ્થિતિમાં હાંસલપુર નજીકની મહાકાય કંપનીમાં અડીખમ કોનોકાર્પસ વૃક્ષો માંડલ રેન્જ ફોરેસ્ટ કચેરીએ દૂર કરાવવા પડે કે નહિ? આ અંગે સવાલોને અંતે મહિલા આરએફઓએ કહ્યું કે, દૂર કરવા સુચના આપીશું. આવતાં રિપોર્ટમાં આ વૃક્ષો દૂર થશે કે નહિ અને નહિ થાય તો કેમ તેનો અહેવાલ સમજીશું.