ચોંક્યા@ગુજરાત: નિવૃત IPSને બદનામ કરી 8 કરોડનો તોડ કરવાનું કાવતરું, ભાજપ નેતા સહિત 5 ઝડપાયા

 
IPS

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના નિવૃત આઇપીએસને ખોટી રીતે ફસાવવા માટે કાવતરુ રચવામાં આવ્યું હતુ. જેનો પર્દાફાશ થતાની સાથે ગુજરાત એટીએસ દ્વારા પાંચ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી ધરકપડ કરી લેવામાં આવી છે. આ કાવતરામાં ભાજપના એક નેતા અને બે પત્રકારો પણ સામેલ છે. પાંચ આરોપીઓ પૈકી એક આરોપી નેતા મુખ્ય સૂત્રધાર હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં ભાજપના સ્થાનિક નેતા તેમજ બે પત્રકારોએ મળીને ગુજરાતના નિવૃત DGPને ખોટી રીતે ફસાવવાના ઈરાદે એક મહિલાનું ખોટુ સોગંદનામું કરાવવાનું કાવતરું રચ્યું હતું. જે મામલે અમદાવાદ ગુજરાત ATSએ પાંચ લોકોની ધરપકડ કરી છે.

આ અંગે ગુજરાત એટીએસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે નિવૃત્ત આઇપીએસ અધિકારી પાસેથી રૂ. 8 કરોડ પડાવવા માટે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતુ. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની પીડિત મહિલા પર દબાણ કરીને તેમના નામે બે વાર બળાત્કાર કર્યો હોવાની એફિડેવિટમાં સહીઓ કરાવી લીધી હતી. એફિડેવિટમાં ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ ખોટી રીતે લખાવી તેને મીડિયામાં આપી અને પોલીસ અધિકારીઓ પાસેથી પડાવવાનો કાવતરાનો ગુજરાત એટીએસ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. બે પત્રકાર સહિત પાંચ લોકો સામે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નિવૃત્ત IPSને બદનામ કરવા મામલે મોટો ખુલાસો થયો છે. રૂપિયા 8 કરોડનો તોડ કરવા રચાયુ હતુ કાવતરું ગુજરાત ATSએ 5 લોકોની કરી ધરપકડ કરી છે જેમા ભાજપના નેતા જી.કે પ્રજાપતિ મુખ્ય સુત્રધાર તરીકે સામે આવ્યા છે. આ સાથે સુરતના હરેશ જાધવ, રાજુ પરમાર તથા અમદાવાદ, ગાંધીનગરના બે કથિત પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું કહ્યું એટીએસના એસપીએ ? 

ગુજરાત એટીએસના એસપી, સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, કેટલાક પોલીસ અધિકારીને ફસાવવા માટે ઉચ્ચ આઈપીએસ અધિકારીના નામની ખોટી એફિડેવિટ વાયરલ થઈ હતી. જે મામલે ગુજરાત એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા આ મામલે સમગ્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, જે એફિડેવિટ કરવામાં આવી છે તે મહિલાનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું. જે મુજબ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારનો ગુનો મહિલાએ નોંધાવ્યો હતો.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના નેતા અને પત્રકારોએ સાથે મળીને નિવૃત DGPએ ખોટું કામ કર્યું હોવાનું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનુ ખુલ્યું છે. આ સોગંદનામું મીડીયામાં વાયરલ ન કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રુપિયાની માંગણી કરી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. તેમજ આ સોગંદનામું અખબારમાં પ્રકાશિત કરવાની ધમકી આપવામાં આવી હતી. ગુજરાતના નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું કાવતરું કરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના ઓબીસી મોરચાના નેતા જી. કે. પ્રજાપતિ મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે.