રિપોર્ટ@અંકલેશ્વર: નવા પાલિકા પ્રમુખની સ્વતંત્રતા વિશે ચિંતન, ધનપતિ સેવકના હાથમાં રહેશે રિમોટ કંટ્રોલ? દાવેદારોએ ચેતવા જેવુ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઔદ્યોગિક નગરી ગણાતાં અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી રિમોટ કંટ્રોલવાળી સ્થિતિ વિશે ચર્ચા ગરમાઈ છે. હવે જ્યારે હાલના પાલિકાના સત્તાધીશોની ટર્મ પૂર્ણ થવા ઉપર છે ત્યારે પ્રમુખના દાવેદારો પણ કામે લાગ્યા છે. જોકે સૌથી મોટો સવાલ ઉભો થયો કે, પ્રમુખ ગમે તે આવે પરંતુ રિમોટ કંટ્રોલ જો કરોડપતિ સેવકના હાથમાં રહ્યું તો ? આટલુ જ નહિ, રસ્તામાં કથિત ભ્રષ્ટાચારની ગંભીર બૂમરાણ વચ્ચે જો ખુદ કરોડપતિ સેવકને જ સત્તાનું સુકાન મળશે તો નગરજનોની સુવિધાનો વિકાસ થશે કે ખુદ કરોડપતિ સેવકનો ? આ સવાલો અંકલેશ્વર શહેરજનો અને કરદાતાઓ માટે અગત્યના બન્યા છે. આવી સ્થિતિમાં સત્તારૂઢ ભાજપનું મોવડીમંડળ નવા પ્રમુખને ભરપૂર સ્વતંત્રતા આપશે ? તેમજ કરોડપતિ સેવકની રિમોટ કંટ્રોલવાળી આદત બદલશે? તેવી ચર્ચાએ પણ અંકલેશ્વર શહેરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ.....
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા શહેરીજનોને વર્લ્ડ ક્લાસ સીટી જેવી સુવિધા આપી રહી ? સર્વે કરાવશો તો 90% ના આવી શકે. હવે અચાનક શહેરીજનોની સુખાકારી માટે સવાલો એમ જ નથી ઉભા થયા. હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંકલેશ્વર શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થા સામે સખત પરેશાની ભોગવી રહ્યા છે. રસ્તા, ગટર, સ્વચ્છતા, પાણી, પ્રદૂષણ સહિતના મામલે ભરપૂર સમસ્યાઓ માથાનો દુખાવો બની છે.
મસમોટી વેરા આવક છતાં અને સરકારની કરોડોની ગ્રાન્ટ છતાં સમસ્યા અટકતી નથી તેના બાબતે કરોડપતિ સેવકની ભૂમિકા શંકાસ્પદ છે. શહેરીજનોની તકલીફો વચ્ચે સામાન્ય પરિસ્થિતિમાં પણ સેવક કરોડપતિ માંથી ધનપતિ બનતાં જાય છે. એટલે હવે નગરજનોમાં ચિંતા વધી છે કે, નવા પ્રમુખ સહિતના સત્તાધીશો સ્વતંત્રત રહે તો સારું. કરોડપતિ સેવક જો પડદાં પાછળ રહીને રિમોટ કંટ્રોલ ચલાવશે તો ? આ સવાલો ચર્ચાસ્પદ બન્યા છે. નીચેના ફકરામાં સમજો ઘટનાક્રમ
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક હબ ગણાતું અને વેરા વસૂલાતમાં અંકલેશ્વર સુપર પાવર છે. જો ધગસથી અને જો એક સેવકની ધનપતિ થવાની તેમજ રિમોટ કંટ્રોલ ચલાવવાની માનસિકતા દૂર થાય તો ખરાબ રસ્તા, ગંદી ગટર વ્યવસ્થા અને ધૂળિયા પ્રદુષણથી નગરજનોને મુક્તિ મળે તેમ છે. આથી આગામી પ્રમુખની વહીવટી અને નિર્ણયશક્તિની સ્વતંત્રતા ધનપતિ સેવકના હાથમાં ના જાય તે માટે નગરજનો ચિંતનમાં લાગ્યા છે. હવે પછીના સ્પેશિયલ રિપોર્ટમાં ધનપતિની ચાલબાજી અને રિમોટ કન્ટ્રોલના ઉપયોગ વિશે જાણીશું.