ગંભીર@સાળંગપુર: હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંત ચિત્રો પર હજી પણ પડદા નહિ, જાણો શું છે સમગ્ર વિવાદ

 
Salangpur Hanuman ji

અટલ સમાચાર, ડેસ્ક

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા હનુમાનજીના ચરિત્ર પર ના અલગ અલગ રીત ભીંત ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા જે ચિત્રોમાં હનુમાનજી દાદા સ્વામિનારાયણ ભગવાનના બાલ્ય અવસ્થા રૂપેના નીલકંઠવર્ણીના દાસ બનીને બેઠા હોય તે પ્રમાણે દર્શાવાયા હતા. 

ગુજરાત ભરમાં હવે આ ચિત્રોથી ભારે વિવાદ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર લોકો ભારે આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. સંતો મહંતોએ પણ આ ઘટનાને વખોડી કાઢી વિવાદાસ્પદ ચિત્રો હટાવી દેવાની માગ કરી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં આ ભીંત ચિત્રો પર પડદા લગાવી દેવાયા હોવાનું વાયરલ થયું હતું પણ હજુ સુધી કોઇ પણ પ્રકારના પડદાં લગાવાયા ના હોવાનું જણાઇ આવ્યું છે.

 

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંત ચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. સંતો મહંતોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે તો વિશ્વ હિન્દુ પરિષદે અને બજરંગ દળે પણ વહેલામાં વહેલી તકે આ ભીંત ચિત્રો દુર કરવાની માગ કરી છે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમામાં દાદાનું અપમાન કરાયું છે તેવી લાગણી વ્યક્ત કરાઇ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસમાં અરજી પણ કરાઇ છે.

વિવાદને લઈ સનાતન ધર્મના અનેક સંતો મહંતો સહિત ધર્મગુરુઓ પણ આ ભીંતચિત્રો મુદ્દે રોષ વ્યક્ત કરી તેમના નિવેદનો આપ્યા છે. બીજી રફ સોશિયલ મીડિયામાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા વિવિધ ચિત્રના વિવાદ મામલે ચિત્ર પર પડદા મારી દેવામાં આવ્યા છે તેવી પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ હતી. આ તરફ હજી સુધી કોઈપણ પ્રકારના પડદા મારવામાં આવ્યા ના હોવાનું અને હજુ સુધી ચિત્રો હટાવવા માટેની કોઈ કામગીરી મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી ના હોવાનું જણાઇ આવ્યું હતું. હનુમાનજી દાદા પ્રત્યેની શ્રદ્ધા ધરાવતા લાખો હરિભક્તો સહિત સંતો મહંતો અને ધર્મગુરુઓ આ ચિત્રો અહીંથી હટાવી દેવામાં આવે તેવી માગ કરી છે.

શું છે સમગ્ર મામલો ? 

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો વિવાદ વધુ વકર્યો છે. સાળંગપુર મંદિર પ્રસાશન દ્વારા હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે કેટલાક ભીંત ચિત્રો લગાડવામાં આવ્યા છે જેમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામી સામે હાથ જોડી નમસ્કાર મુદ્રામાં હોય તેમ દર્શાવવામાં આવ્યા છે. આ મામલો છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ચગ્યો છે અને સોશિયલ મીડિયામાં લોકો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાળંગપુર મંદિર ખાતે પહોંચ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અધ્યક્ષ કાર્યકરો સાથે મંદિરના કોઠારી વિવેકસાગરને મળ્યા હતા અને વહેલામાં વહેલી તકે આ ભીંત ચિત્રો દુર કરવાની માગ કરી હતી.

આ વિવાદીત મામલા અંગે મોરારીબાપુએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું કે,હનુમાનજીને પ્રણામ કરતા દર્શાવવા હીનધર્મ છે. તેમણે હવે સમાજે જાગૃત થવાની જરુર છે તેમ પણ કહ્યું હતું. સમગ્ર મામલે બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવા ચિત્રો યોગ્ય નથી અને તેમણે સમગ્ર ઘટનાને નિંદનીય ગણાવી હતી. તેમણે આ ચિત્રો હટાવી લેવાની માગ કરી છે. હનુમાનજી ભગવાન રામના અનુયાયી છે તો એવા પ્રકારના ચિત્રો કે મૂર્તિ મુકવા જોઇએ તેમ તેમણે કહ્યું હતું.