વિવાદ@ગુજરાત: બાબા બાગેશ્વરનો દરબાર ભરાય તે પહેલા જ ડૉક્ટરે ફેંક્યો મોટો પડકાર

 
Baba Bageshwar

અટલ સમાચાર, ડેસ્ક

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે અને રાજ્યના વિવિધ શહેરોમાં તેમનો દરબાર લાગવાનો છે. અમદાવાદમાં આગામી 29 અને 30 મેના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર લાગવાનો છે. આ તરફ હવે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને જાણીતા ડૉક્ટર વસંત પટેલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે કે, જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં કોઈ શક્તિ છે તો કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. 

બાબા બાગેશ્વર ગુજરાતમાં આવે તે પહેલા જોરદાર વિવાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર અલગ-અલગ શહેરોમાં લાગવાનો છે. તેમાં શરૂઆત સુરતથી થવાની છે. ત્યાર બાદ તેમનો દરબાર અમદાવાદમાં લાગવાનો છે. અમદાવાદમાં ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં તેમનો આ દરબાર ભરાશે. ત્યાર બાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં પણ દરબાર લાગવાનો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટે છે. અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર લાગે તે પહેલા જ એક મોટો વિવાદ થયો છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ડોક્ટર દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં જો ખરેખર કોઈ શક્તિ છે તો તેઓ કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. તેમજ દેશમાંથી નક્સલવાદને આતંકવાદનો ખાતમો કરે.