બનાવ@દાંતા: ઝાડ પરથી રામની ધજા હટાવવા મામલે વિવાદ, ગામમાં ચુસ્ત બંદોબસ્ત, 18 સામે ફરિયાદ

 
Danta Police Station

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણ ગામે ઝાડ પરથી રામની ધજા હટાવી લેવા મામલે બે જૂથ વચ્ચે ભારે વિવાદ થયો હતો. આ મામલે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દાંતા પોલીસે 18 સામે નામજોગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસ દ્વારા અડેરણ ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

દાંતા તાલુકાના અડેરણ ગામે આવેલા અજયપાલ દાદાના મંદિર નજીક એક લીમડો આવેલો છે. આ લીમડા પર રામની ધ્વજા લગાવવામાં આવી હતી. જોકે 24 જાન્યુઆરીની રાત્રે 10 કલાકે અમુક લોકોએ લીમડાના ઝાડ પરથી આ ધજાને હટાવી લેવા ધમકી આપી હતી. ત્યાર બાદ બે જૂથ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ઘટનાની માહિતી સ્થાનિક પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જો કે, હવે આ મામલે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

માહિતી મુજબ દાંતા પોલીસે ધજા હટાવી લેવા મામલે 18 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગામમાં તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે હાલ ગામમાં હાલમાં શાંતિપૂર્ણ માહોલ હોવાની માહિતી છે. પોલીસ એફઆઇઆરમાં વિવાદ બાદ હિન્દુ પક્ષના લોકો સામે હુમલો કરવાની તૈયારી દર્શાવાઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે.