સુવિધા@વેપારીઓ: આયુર્વેદિક દવા બનાવતી પેઢીઓને હવે સર્ટીફીકેટ મળશે ઓનલાઇન, ગાંધીનગરના ધક્કા બંધ

આ પેઢીઓ આશરે 1.25 લાખ જેટલી વિવિધ બનાવટો (પ્રોડક્ટ)ની પરવાનગી ધરાવે છે. આ ઉત્પાદક પેઢીઓને જી.એમ.પી., ફ્રી-સેલ, નોન કન્વિકશન સહિતના સર્ટીફીકેટ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આપવામાં આવે છે.
 
file fhoto

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ગાંધીનગર સ્થિત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા આયુર્વેદિક પેઢીઓ માટે નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પેઢીઓને જરૂરી સર્ટિફિકેટ ગાંધીનગર ઓફિસથી મેળવતાં અવરજવર અને સમયનો ખર્ચ થતો હતો. આથી ભારે મનોમંથનને અંતે ઔષધ તંત્ર અને એનઆઇસી દ્વારા સંયુક્ત રીતે એક ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવ્યું. જેનાથી ઉત્પાદક પેઢીઓ પોતાની ઓફિસમાં જ અરજી કરવાથી લઈને તેની મંજૂરીનુ સ્ટેટશ અને સર્ટિફિકેટની પ્રિન્ટ પણ મેળવી શકાશે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ગુજરાત રાજ્યમાં હાલની સ્થિતિએ આશરે 875 જેટલી આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી પેઢીઓ આવેલી છે. આ પેઢીઓ આશરે 1.25 લાખ જેટલી વિવિધ બનાવટો (પ્રોડક્ટ)ની પરવાનગી ધરાવે છે. આ ઉત્પાદક પેઢીઓને જી.એમ.પી., ફ્રી-સેલ, નોન કન્વિકશન સહિતના સર્ટીફીકેટ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આપવામાં આવે છે. સર્ટીફિકેટની કામગીરી હાલમાં ઓફલાઇન એટલે કે ગાંધીનગર સ્થિત કચેરીથી થાય છે.

જેના માટે અરજદારે કચેરીમાં અરજી કરવા જવાનું, અરજીનું ફોલોઅપ લેવા તેમજ પરવાના મેળવવા રૂબરૂ દોડધામ કરવી પડે છે. જેમાં હવે ગુજરાત સરકાર દ્વારા મોટો સુધારો કરી નવીન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સર્ટીફીકેટની કામગીરી ઓનલાઇન કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને NICએ સાથે મળીને ayudmla.gujarat.gov.in નામનું એક વેબ પોર્ટલ બનાવ્યું છે. આ વેબ પોર્ટલ થકી માન્યતા પ્રાપ્ત નાના મોટા આયુર્વેદિક દવાઓના ઉત્પાદકો લાયસન્સને લગતી કામગીરી, બનાવટો, (પ્રોડક્ટ લાયસન્સ)ની કામગીરી તેમજ વિવિધ સર્ટીફીકેટ મેળવવાની કામગીરી ઓનલાઇન કરી શકશે. 

vepari 1


સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજી કરવા માટેની જરૂરી ફી ઓનલાઇન ભરી શકાશે. આ પોર્ટલની મદદથી અરજદારોને ઇ-મેઇલ/એસ.એમ.એસ.થી મંજુર થયેલ અરજીની તાત્કાલિક જાણ થઈ શકશે. આ સાથે QR કોડ મારફતે પોતાના સ્થળેથી જ પ્રિન્ટ કાઢી શકશે. આ વ્યવસ્થાથી અરજદારોને ગાંધીનગરના બિનજરૂરી ઘક્કામાંથી મુક્તિ મળશે અને તેનાથી સમય અને પ્રવાસખર્ચનો પણ બચાવ થશે. આ નવી સુવિધા ઉભી કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે.

બે અધિકારી લાવ્યા ફળસ્વરૂપ પરિણામ

રાજ્યના આયુર્વેદિક ઉત્પાદકો માટે આ સૌથી મોટી ખુશી લાવવામાં 2 અધિકારીનો સિંહફાળો છે. જેમાં આયુર્વેદિક કમિશનર કમલેશભાઈ ભટ્ટ તથા ટેકનિકલ ઓફિસર આનંદભાઇ મહેતાએ સૌપ્રથમ આ વિચાર ઉપર મનોમંથન શરૂ કર્યું હતું. જેમાં આયુર્વેદિક ઉત્પાદકોને ઘરેબેઠાં કે પોતાની ઓફિસમાં જ સર્ટીફીકેટની સગવડ આપવા ઓનલાઇન ઉપર સંશોધન શરૂ કર્યું હતું. આ માટે ભારત સરકારના એનઆઇસી યુનિટ સાથે મિટિંગ કરી આખરે એક સરળ પોર્ટલ ઉભું થઈ શકે તેમ છે એ વાત નક્કી થઇ હતી. આથી પોર્ટલ માટે જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવી આ બંને અધિકારીએ પ્રેઝન્ટેશન પણ મેળવી ટેસ્ટિંગ પણ કરાવ્યું હતું. આખરે એક પોર્ટલથી સર્ટીફીકેટ ઓનલાઇન મળી શકે તે હકીકત બનતાં રાજ્યના આયુર્વેદિક ઉત્પાદકોને સમર્પિત કરાયું છે. 

આ મહત્વપુર્ણ આયુર્વેદિક ડ્રગ લાયસન્સિંગની ઓનલાઇન કામગીરી માટેના વેબ પોર્ટલની શરૂઆત મહેસાણા ખાતે આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર ઉદિત અગ્રવાલ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયા, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણલાલ પટેલ, કડી ધારાસભ્ય કરશન સોલંકી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.