રિપોર્ટ@સુરેન્દ્રનગર: 8 કરોડનાં ખર્ચે નિર્માણાધિન ST ડેપોમાં ભ્રષ્ટાચાર ? જાણો શું છે સમગ્ર મામલો

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર કરોડોનાં ખર્ચે તૈયાર થતાં બસસ્ટેશનમાં લોકાર્પણ પહેલાં ઠેરઠેર તીરાડો જોવા મળી હોવાનું સામે આવ્યું છે. આ સાથે બસ સ્ટેશનમાં અનેક જગ્યાએ નાંખવામાં આવેલ બ્લોક પણ બેસી ગયાંના દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે, કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલા બસસ્ટેશનમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયાની ચર્ચાએ જોર પકડયું છે. 

સુરેન્દ્રનગરની જનતાને મોટી ભેટ મળે તે પહેલા જ એક સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે કલેક્ટર અને કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગરનાં સાંસદ મહેન્દ્રભાઈ મુજપરાએ બસસ્ટેશનની મુલાકાત લીધી હતી. આ તરફ નેતાઓને ઝડપથી બસસ્ટેશનના લોકાર્પણ કરી એને ખુલ્લો મુકવામાં રસ વધુ દેખાઇ રહ્યો હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જોકે બસસ્ટેશનની નબળી કામગીરી મામલે આગામી દિવસોએ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 6 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર શહેરને સારું અને સુવિધાસભર બસસ્ટેશન મળે તે માટે અગાઉના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે નેતાઓની નબળી સક્રિયતાને કારણે આ બસસ્ટેશન આજે પણ તૈયાર નથી થયું. રૂપિયા 8.29 કરોડના ખર્ચે તૈયાર થયેલ બસસ્ટેશનમાં લોકાર્પણ પહેલાં ઠેરઠેર તીરાડો જોવા મળી રહી છે. આ સાથે સાઈડમાં નાંખેલા બ્લોક બેસી ગયા છે. જેને લઈ બસ સ્ટેશનની કામગીરીમાં કથિત રીતે ભષ્ટ્રાચાર થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.