હડકંપ@મહુધા: પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારનો દબદબો? ક્લાર્કથી માંડી ટીડીઓની ટકાવારીના આંકડા જાહેર કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મહુધા તાલુકા પંચાયતના વહીવટ સામે વડોદરાના નાગરિકે અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. તમામ કામોમાં ભ્રષ્ટાચાર જ રાજા હોય તેમ ટકાવારી સિવાય પેમેન્ટ નહિ થતું હોવાની રજૂઆત કરી છે. અરજદારે વિજીલન્સ સહિત અલગ અલગ કચેરીમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, ક્લાર્કથી માંડીને ટીડીઓની ટકાવારી અને તેનાં રેટ ફિક્સ હોવાનો દાવો કર્યો છે. અરજદારના આક્ષેપમાં કેટલુ તથ્ય છે તે તપાસનો વિષય પરંતુ દરેક કર્મચારીની ટકાવારી જાહેર કરતાં હડકંપ મચી ગયો છે. આ મામલે ટીડીઓ દેસાઇને પૂછતાં જણાવ્યું કે, આવી કોઈ લેખિત મૌખિક રજૂઆત નથી અને આવી કોઈ ટકાવારી ચાલતી નથી. જાણીએ સમગ્ર અહેવાલ.
ખેડા જિલ્લાની મહુધા તાલુકા પંચાયતનો વહીવટ કેટલો પારદર્શક છે એ તો ડીડીઓ અને ઓડીટ ટીમ સારી રીતે જણાવી શકે પરંતુ ગામમાંથી જે ફરિયાદ ઉઠી છે તે જોતાં પારદર્શકતા સવાલો વચ્ચે આવી છે. વડોદરાના સતિષભાઈ નામનાં એક આધેડ અરજદારે વિજીલન્સ, એસીબી, વિભાગના સચિવ અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સહિતની જગ્યાએ ફરિયાદ કરી છે. જેમાં આક્ષેપ કર્યો છે કે, મહુધા તાલુકા પંચાયતના વિકાસના તમામ કામોમાં તલાટીથી લઈ કારકૂન, એટીડીઓ, એકાઉન્ટન્ટ, ઈજનેર અને ટીડીઓ સહિતના ટકાવારી મળે તો જ કામ કરતાં હોવાનો આરોપ મૂક્યો છે. અરજદારે તો તલાટી અને ટીડીઓના 3 ટકા, એટીડીઓ, એકાઉન્ટન્ટ અને ક્લાર્કના 1 ટકા તેમજ ઈજનેરના 5 ટકા ચાલતાં હોવાનો આરોપ મૂકતાં ખળભળાટ મચી ગયો છે. આટલું જ નહિ, આક્ષેપ મુજબના કર્મચારીઓને ત્યાં એસીસીની તપાસ થાય તો બેહિસાબી સંપત્તિ મળી આવે તેવો દાવો પણ કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહુધા તાલુકા પંચાયતમાં દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આવે છે ત્યારે ગ્રામ પંચાયતથી માંડી તાલુકા પંચાયત સુધી ટકાવારીની ચેનલ હોવાનો દાવો કર્યો છે. આ ફરિયાદ આધારે સૌથી મોટી વાત સામે આવી કે, અરજદારે સીધી એસીબીને તપાસમાં ઉતારવા જણાવતાં મામલો ગંભીર બન્યો છે. આ બાબતે મહુધા ટીડીઓ દેસાઇને વાત કરતાં જણાવ્યું કે, આવી રજૂઆત નથી અને કોઈ ટકાવારી કે ભ્રષ્ટાચાર નથી. જોકે અરજદારની ફરિયાદ જોતાં આગ વગર ધુમાડો ના આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
જીએસટી ચોરીનો પણ દાવો
અરજદાર સતિષભાઈએ આક્ષેપ કર્યો છે કે, મહુધા તાલુકા પંચાયતમાં આવેલ બીલોની તપાસ કરવામાં આવે તો મોટાભાગના બીલો જીએસટી વગરના હોવાનું કહે છે. જીએસટી વગરના અનેક બીલો મૂકવામાં આવ્યાં હોવાનું જણાવી ભ્રષ્ટાચારની બોલબાલા ઉપર આડકતરો ઇશારો કર્યો છે.