ફેક્ટરી@ડીસા: સરકારી પોર્ટલમાં ખોટી માહિતી ભરી ઈ-વે બીલ બનાવ્યા, જીએસટીને ધ્યાને આવતાં ક્રોસ ચેકીંગની દોડધામ

 
Deesa

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ડીસાની ફેક્ટરી અને પાટણની ફેક્ટરી વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી તેલ સંબંધિત માલસામાનના ખરીદ-વેચાણનો સંબંધ ચાલતો હતો. આ દરમ્યાન ગત વર્ષે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી કે, હરિફ ફેક્ટરીઓ વાળા પણ ચોંકી ગયા હતા. પાટણની સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝ અને ડીસાની એન.પી ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે થયેલો હિસાબનો ગોટાળો અને આક્ષેપોની પોલીસ ફરિયાદમાં જીએસટીનો મુદ્દો સૌથી અગત્યનો બન્યો છે. પાટણના સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝ વાળા કહે છે કે, ડીસાની એન.પી ઈન્ડસ્ટ્રીઝ વાળાએ સરકારના ઓનલાઇન પોર્ટલમાં ખોટી માહિતી ભરીને ઈ-વે બીલ બનાવ્યા છે. બીલમાં દર્શાવેલ નંબર વાળા ટ્રકોએ માલની હેરાફેરી કરી નથી. આખો કેસ પ્રથમ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી પાટણની કોર્ટમાં અને ત્યાંથી આગોતરા નહિ મળતાં હાઇકોર્ટમાં વિચારાધીન છે. 

ફરિયાદ પ્રથમ તબક્કે એક ડીસાના વેપારીએ પાટણના વેપારીને છેતરી 1 કરોડ 84 લાખનો ચુનો લગાવ્યાનો આરોપ વાળી છે પરંતુ હવે આ બંને વેપારીમાં સાચું કોણ તે શોધવા પોલીસ સાથે જીએસટી મોટો ફાળો આપી શકે છે. સમગ્ર મામલે જીએસટીના અધિકારીને ધ્યાને આવતાં "જીએસટીને જો ખોટી માહિતી આપી હોય તો" વાળી વાત ઉપર ક્રોસ ચેકીંગની કવાયત શરૂ કરાઇ છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ....... 

પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ગત 15/5/2022 એટલે કે આજથી સરેરાશ 10 મહિના અગાઉ 1 કરોડ 84 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ હતી. ફરીયાદી એવા સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝના જયેશ કિર્તીલાલ મોદીએ ડીસાના એન.પી ઈન્ડસ્ટ્રીઝના સગાં એવાં ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડીસાનાઅશોકભાઇ રસિકભાઈ કાનુડાવાળા, ભરતભાઈ કેશવલાલ, કાનુડાવાળા, પિંકેશભાઇ અશોકભાઇ કાનુડાવાળા, નિલેશભાઇ ભરતભાઈ કાનુડાવાળા સામે આઇપીસી 406,420,465,467,468,34 અને 114 મુજબ ગુનો નોંધાવ્યો હતો. હવે પ્રથમ દ્રષ્ટિએ મામલો બે વેપારી વચ્ચે હિસાબની લેતીદેતીમાં ગોટાળો અને છેતરપિંડી જેવો લાગે છે. 

Deesa

જોકે આમાં ફરિયાદ બાદ પોલીસની ભૂમિકા બાદ જીએસટીની ભૂમિકા પણ ઉભી થઇ છે. પાટણના વેપારીનો આરોપ છે કે, ડીસાના વેપારીએ 1કરોડ 84 લાખની છેતરપિંડી કરી તેમાં માલસામાનના ખરીદ-વેચાણ બાબતે ખોટા બીલ બનાવ્યા છે. હવે આ ઈ-વે બીલ સરકારના પોર્ટલથી ઓનલાઇન જનરેટ થાય છે પરંતુ ડીસાના વેપારીએ સરકારના ઓનલાઇન પોર્ટલમાં ખોટી માહિતી ભરી જીએસટીને ગેરમાર્ગે દોરી ખોટા ઈ-વે બીલ બનાવ્યા હોવાનો આક્ષેપ છે. આ બાબતે ઝીણવટભરી વિગતો મેળવતાં જીએસટી કચેરી માટે મોટો પડકાર ઉભો થયો છે. જેથી જીએસટીના અધિકારીને ધ્યાને આવતાં ક્રોસ ચેકીંગનો ધમધમાટ શરૂ કરવાની તૈયારી કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ વેપારી ઈ-વે બીલ બનાવે ત્યારે સરકારના ઓનલાઇન ચોપડે સાચી વિગતો સ્વયં ભરવાની હોય છે. જોકે આ ઘટનામાં ડીસાના વેપારીએ આ6 61383625835, 631383880096, 671383489010, 611384257249, 651383986557, 681384407931, 621385972878, 691386262878 ઈ-વે બીલ જનરેટ કર્યા તેમાં દર્શાવેલ ટ્રકવાળાને પૂછતાં આ ઈ વે બીલ વાળા માલસામાનની કોઈ હેરાફેરી ના કરી હોવાનું પોલીસને જણાવ્યું છે. આ બાબતે મહેસાણા જીએસટી વડી કચેરીની સુચનાથી તાબા હેઠળના કર્મચારીઓ ડીસાની ફેક્ટરીએ તપાસ પૂછપરછ માટે ગયા હતા. જ્યાં વિવાદિત ઈ-વે બીલની વિગતો માંગી પરંતુ મળી નહોતી અને અન્ય મુદ્દાઓ ઉપર તપાસ કાર્યવાહી કરી હતી. જોકે મહેસાણા જીએસટીના કુંજલતા પરમારને પૂછતાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઈ-વે બીલ ખોટાં છે કે કેમ તે બાબતની વિગતો સામે મહેસાણા જીએસટીના કમિશનર કુંજલતા પરમારે જણાવ્યું હતું કે, કર્મચારીઓ ડીસાની ફેક્ટરીએ તપાસ માટે ગયા હતા પરંતુ ફેક્ટરીવાળાએ કોર્ટમાં કાગળો આપ્યા હોવાનું જણાવતાં કેટલોક સમય આપ્યો હતો. જોકે સમય અવધિ પૂર્ણ તો થઈ તેવો સવાલ કરતાં કુંજલતા પરમારે જણાવ્યું હતું કે, ઈ વે બીલમાં ભરેલી વિગતો સાચી કે ખોટી તેની ખરાઇ કરવા પોલીસની મદદ મેળવી, અન્ય મશીનરીનો સહયોગ મેળવી ક્રોસ ચેકીંગ હાથ ધરવામાં આવશે. જો ખોટાં ઈ વે બીલ મળી આવે તો શું થાય તે બાબતે પૂછતાં અધિકારીએ જણાવ્યું હતું કે, ધોરણસરની આઇપીસી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવા સુધીની જોગવાઈ છે. સમગ્ર કેસમાં હવે જીએસટી જો પારદર્શક, તટસ્થ અને ઉંડાણપૂર્વકની તપાસ કરે તો કેસમાં મોટો ટ્રેનિંગ આવી શકે છે.