ગંભીર@ફતેપુરા: મનરેગાની વહીવટી મંજૂરી પેટે બળવંતે ઉઘરાવ્યા કરોડો, કૌભાંડમાં તોડકાંડનો રિપોર્ટ

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

છેલ્લા કેટલાક સમયથી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા કે, દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં એક કર્મચારી બાહુબલી બની ગયો છે. જેને કાયદાનો કોઈ ડર નથી અને બેફામ બની ઉઘરાણાં કર્યા છે. આ બાબતે હવે જે માહિતી મળી છે તે ચોંકાવનારી અને ટર્નિગ પોઇન્ટ આવતાં રસપ્રદ પણ બની છે. મનરેગાના કામોની વહીવટી મંજૂરી પેટે તત્કાલીન વર્ક્સ મેનેજર બળવંત લબાનાએ તોડકાંડ કર્યો હતો. જેમને વહીવટી મંજૂરી જોઈતી હતી તેમની પાસેથી બળવંત લબાનાએ મોટી રકમ ઉઘરાવી હતી. જોકે આ પછી એવો ટર્નિગ પોઇન્ટ આવ્યો કે, બળવંત લબાનાએ કેટલીક રકમ પાછી આપવાની નોબત આવી છે. જાણો ભ્રષ્ટાચારના બળિયા બળવંત લબાનાની તોડકાંડ ઘટનાક્રમનો સ્પેશિયલ રિપોર્ટ....

Dahod

દાહોદ જિલ્લામાં ગત માર્ચ મહિના અગાઉ નવા નાણાંકીય વર્ષ 2023-24 માટે મનરેગાના કામોની વહીવટી મંજૂરી મેળવવા દોડધામ થઇ હતી. દર વર્ષે એક એક તાલુકામાં કરોડોની વહીવટી મંજૂરી મળતી હોવાથી એ વખતે ફતેપુરા તાલુકાના મનરેગામાં ફરજ બજાવતા ફતેપુરા બળવંત લબાનાએ પણ તૈયારી કરી હતી. આ બળવંત લબાનાએ ફતેપુરા તાલુકાના ગામોમાં મનરેગા હેઠળના કામોની વહીવટી મંજૂરી પેટે અલગ અલગ રકમ ઉઘરાવી હતી. જેટલા રકમના કામો એ પ્રમાણે બળવંત લબાનાએ મનરેગાની વહીવટી મંજૂરી મેળવવા આવતાં વ્યક્તિઓ પાસેથી બેફામ રકમ ઉઘરાવી હતી. બેનામી અને ગેરકાયદેસર ઉઘરાણી કરતાં આંકડો સરેરાશ એક કરોડને નજીક પહોંચી ગયો હતો. હવે આ બેનંબરી નાણાં ઉઘરાવ્યા બાદ જે બન્યું એ જાણીને તમે ચોંકી જશો....

ફતેપુરા તાલુકામાં મનરેગા હેઠળના કામોની વહીવટી મંજૂરી અપાવવા કર્મચારી બળવંત લબાનાએ એડવાન્સ બુકિંગ કરતો હોય તેમ પ્લાનિંગ કર્યું હતુ. ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી આવતાં વ્યક્તિઓની જેવી માંગણી એવી રીતે હિસાબ કરી ઉઘરાણી કરી લીધી હતી. ફતેપુરામા મનરેગાના ઓથા હેઠળ બેહિસાબી ઉઘરાણી કર્યા બાદ વહીવટી મંજૂરીની ફાઇલ ડીડીઓ સમક્ષ ગઈ હતી. જોકે તત્કાલીન ડીડીઓ નેહા કુમારીએ ફતેપુરા તાલુકામાં મનરેગાની વહીવટી મંજૂરી આપી નહિ. આથી ઉઘરાણી કર્યા બાદ બળવંત લબાનાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઈ હતી. ગેરકાયદેસર ઉઘરાણી અને તેમાં પણ વહીવટી મંજૂરી નહિ આવતાં નાણાં ચૂકવવાનારા લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. આખરે બળવંત લબાનાએ વહીવટી મંજૂરી પેટે ઉઘરાવેલી રકમ પરત કરવી પડી છે. જેમાં મળતી માહિતી મુજબ કેટલીક રકમ પરત કરી તો કેટલાક લોકોની પરચ માંગણી નહિ આવતાં બેહિસાબ રકમનો રફેદફે થવાની સ્થિતિમાં છે.

હોટેલમાં જમા કરાવતો હતો ઉઘરાણીના નાણાં

બળવંત લબાના હિસાબ રાખવામાં અને હિસાબ નિભાવી દરેકની રકમ બરોબર જમા થાય છે કે નહિ તેમાં પારંગત છે.‌ મનરેગાના કામોની વહીવટી મંજૂરી બાબતે એક કાગળમાં કામનું નામ, કામના ખર્ચની રકમ અને તેના પેટે ઉઘરાણીની રકમ લખી આપતો હતો. પછી આ ચિઠ્ઠી લઈને વહીવટી મંજૂરી લેવા ઈચ્છતા બળવંત લબાનાની સાગરિત હોટેલમાં જતાં અને ત્યાં ઓનલાઇન અથવા ઓફલાઈન રકમ જમા લેવામાં આવતી હતી.

ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી- સુભાષ પારગી

આ અંગે ફતેપુરા તાલુકાના જાગૃત આગેવાન સુભાષ પારગીએ જણાવ્યું હતું કે, ફતેપુરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં ટેબલે ટેબલે રૂપિયા આપવા પડે છે. કાગળોની કામગીરી પૂરી થાય પછી વહીવટી મંજૂરી અને કામના વર્ક કોડને ઓનલાઇન કરવા અલગથી રૂપિયા આપવા પડે છે. 4.50 લાખના કામમાં 50 હજાર રૂપિયા લેવામાં આવે છે. જો આ કૌભાંડ રોકવામાં નહીં આવે તો ગરીબોનુ કોણ સાંભળશે?