રિપોર્ટ@પાટણ: હજારો વૃક્ષો કાપી દેવાથી પર્યાવરણ ઉપર અસર થશે ? પ્રથમ ચોમાસે જ ફેરફાર આવશે❓

 
Patan Tree

અટલ સમાચાર, ડેસ્ક 

પાટણ જિલ્લામાં વિકાસ માટે વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે. જેની અસર સંભવિત રીતે પ્રથમ ચોમાસામાં જ દેખાઈ શકે છે. વિગતો મુજબ મહેસાણા, પાટણ, વાયા ચાણસ્મા હાઈવે ફોરલેન કરવા માટે રાજપુરથી ધિણોજ સુધી 36 કિલોમીટર લીલાછમ 6207 વૃક્ષો કાપી નાખવા માટે વન વિભાગે મંજૂરી આપી દેવાઈ છે. આ તરફ હવે વૃક્ષોનું કટીંગ પણ શરૂ થઈ ગયું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વૃક્ષો માટે સરકાર લાખો રૂપિયા ખર્ચી રહી છે. બીજી બાજુ વિકાસ માટે વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે.

પાટણ જિલ્લામાં મહેસાણા, પાટણ, વાયા ચાણસ્મા હાઈવે ફોરલેન કરવાની કવાયત શરૂ કરાઇ છે. જોકે વિકાસના નામે હજારો વૃક્ષો કાપી દેવાથી પર્યાવરણ ઉપર અસર થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. જેને લઈ હવે પાટણના રાજપુરથી ધિણોજ સુધી 36 કિલોમીટર લીલાછમ 6207 વૃક્ષો કાપવા વન વિભાગની મંજૂરી મળી ગઈ છે. જેની કામગીરી પણ હાથ ધરવામાં આવતા હજારો પક્ષીઓનો આશિયાનો અને પર્યાવરણના અંશ વૃક્ષો કપાતા જોઈ પર્યાવરણ પ્રેમીઓના જીવ મૂંઝાઈ રહ્યા છે.  

સમગ્ર મામલે પર્યાવરણ રક્ષક નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે, ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે અકસ્માતો નિવારવા માટે ફોરલેન બને તેની સાથે અમારો વાંધો નથી. જોકે તે માટે બિનજરૂરી વૃક્ષો ન કપાય અને જે વૃક્ષો સ્થળાંતર થઈ શકે તેવા હોય તેવા વૃક્ષોને ટ્રાન્સ પ્લાન્ટ કરી બચાવી લેવા જોઈએ.  

જાણો કેટલા વૃક્ષો કાપવામાં આવશે? 

ધિણોજથી રાજપુર સુધી 36 કિલોમીટરના હાઈવેની બંને સાઈડે આવતા 6207 વૃક્ષો કાપવામાં આવશે. રોડના મધ્યબિંદુથી બંને બાજુ 15 અને જ્યાં ગામના બસ સ્ટેન્ડ આવતા હોય ત્યાં 33.5 મીટર વિસ્તારમાં આવતા વૃક્ષો કાપી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

6207 વૃક્ષોની હરાજી કરતાં રૂ5.19 લાખની આવક

મીડિયા અહેવાલો મુજબ વન વિભાગે 6207 વૃક્ષોની હરાજી કરતાં રૂ5.19 લાખની આવક થઈ છે. વૃક્ષોનું કટીંગ પણ શરૂ થયું છે. વૃક્ષો વીસ દિવસમાં કાપી દેવામાં આવશે. જેમાં પાટણ ચાણસ્મા હાઇવે પર રાજપુરથી મીઠીવાવડી સુધી રોડની બંને સાઈડે 15 મીટર અંતરમાં 892 વૃક્ષો કપાશે. મીઠીવાવડીથી ચાણસ્મા થઈ ધિણોજ સુધી બસ સ્ટેન્ડ વધારે આવતા હોવાથી બંને બાજુ 33.5 મીટર અંતરમાં આવતા 5315 વૃક્ષો કપાશે. જોકે પાટણથી રાજપુર વચ્ચે વર્ષો જૂના મોટા લીમડા બચી જશે.