નિવેદન@ગુજરાત: રાજ્યમાં યુવાઓને ડી-ક્વોલિટીનો દારૂ પીવડાવાય છે: ચૈતર વસાવા

 
Chaitar Vasava

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની નશા વિરૂદ્ધની મુહિમની પ્રશંસા કરી હતી. આ સાથે જ ચૈતર વસાવાએ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેચાણને લઇને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

ચૈતર વસાવાએ એક્સ પર લખ્યુ, “નશા વિરૂદ્ધ આમ આદમી પાર્ટી સરકારની મોટી મુહિમ. મુખ્યમંત્રી ભગવંત માનજીએ અમૃતસરના શ્રી હરમંદિર સાહિબમાં 35 હજાર બાળકો સાથે પંજાબને નશા મુક્ત બનાવવા માટે અરદાસ કરી છે. ગાંધીજીના ગુજરાતમાં સૌથી વધુ બુટલેગર ભાજપના કાર્યકર્તા છે! ગુજરાતના યુવાઓને ડી-ક્વોલિટીનો દારૂ પીવડાવીને બરબાદ કરવાનું કામ 28 વર્ષથી ભાજપ સરકાર કરી રહી છે.”


આ પહેલા છોટા ઉદેપુરમાં યુવા અધિકાર યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધને લઇને એક નિવેદન આપ્યું હતું. ચૈતર વસાવાએ ગુજરાત સરકાર પર કટાક્ષ કરતા માંગ કરી છે કે રાજ્યમાંથી દારૂ પર પ્રતિબંધ હટાવી લેવો જોઇએ, જેથી લોકોને સારી ગુણવત્તાનો દારૂ મળી શકે.” ચૈતર વસાવાએ વધુમાં કહ્યું હતું કે સરકાર અને પોલીસ જ દારૂની વ્યવસ્થા કરી આપે છે. જો સરકાર રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ ના કરાવી શકતી હોય તો સરકારે દારૂબંધી હટાવી દેવી જોઇએ.