સ્પેશ્યલ@દાહોદ: મનરેગામાં વર્ષોથી ઇન્ચાર્જ ડીડીપીસી, મનસુબા પાર પાડવા કે સમયના અભાવે?

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સૌથી મહત્વની અને સૌને રસપ્રદ એવી મનરેગા શાખાનાં ડીડીપીસીની જગ્યા વિશે આજે સ્પેશ્યલ રિપોર્ટ અતિ આવશ્યક બન્યો છે. ડીઆરડીએના નિયામક પછી તુરંત મનરેગા ડીડીપીસીની જગ્યા આવે છે જે જિલ્લાનો મનરેગા વહીવટ સંભાળે છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી આ ડીડીપીસીની જગ્યા ચાર્જમાં ચલાવવામાં આવી રહી તેના પાછળના દેખીતાં કારણો માત્ર દેખાવ પૂરતાં છે. દાહોદ ડીડીઓ અને નિયામકને શું કાયમી ડીડીપીસી મળતાં નથી ? સમયનો અભાવ છે કે પછી કોઈ વ્યક્તિ કે જૂથ ઈરાદાપૂર્વક ઇન્ચાર્જ ડીડીપીસી રાખવા માંગે છે? આ બાબતે જાણતાં ધ્યાને આવ્યું કે, ગત વર્ષે ડીડીપીસીની જગ્યા ભરવા કરેલા ઈન્ટરવ્યુ પણ દેખાડો પૂરતાં રહ્યા છે. મનરેગામાં લાગતાં વળગતાનો રસ અને મહત્વાકાંક્ષા જોતાં ખબર પડે છે કે, ઇન્ચાર્જ ડીડીપીસી રાખવાથી ધાર્યું થાય છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગત વર્ષે મોટાપ્રમાણમાં મનરેગા શાખા માટે કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ડીડીપીસીની જગ્યા પણ કાયમી ભરાઇ જશે તેવી આશા ઈન્ટરવ્યુ થયા પછી બની હતી. જોકે તત્કાલીન ડીડીઓના સમયમાં થયેલી મનરેગા ડીડીપીસીની ભરતી આખરે કોઈ કારણસર આજસુધી અધ્ધરતાલ રહી છે. અગાઉના કેટલાય વર્ષોથી ઇન્ચાર્જ ડીડીપીસી ભરતીનો તબક્કો આવ્યો છતાં અડીખમ રહ્યા છે. એટલે કે ઇન્ચાર્જ કર્મચારી બદલાયા કરે પરંતુ કાયમી ડીડીપીસી લાવવામાં આવ્યા નથી અથવા શક્ય બન્યું નથી. જીઆરએસ, ટેકનિકલ, એમઆઇએસ સહિતનાની ભરતી થઇ ગઈ પરંતુ ડીડીપીસી ઇન્ચાર્જ રહ્યા છે. હવે અહિં કંઇક તો એવું છે કે, ઈરાદાપૂર્વક અથવા સમયના અભાવે કાયમી ડીડીપીસી આડે રોળા નાખે છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કરાર આધારિત અને આઉટસોર્સિંગથી જો મનરેગાની અન્ય જગ્યાઓ ભરાઇ શકતી હોય તો ડીડીપીસી માટે સમયનો અભાવ એ તર્ક સંગત નથી. તો શું પ્રામાણિક, પારદર્શક અને જરૂરી લાયકાત સાથેના ડીડીપીસી મળતાં નથી? આ વાત પણ તર્ક સંગત એટલા માટે નથી કેમ કે ગત ભરતીમાં આઉટસોર્સ એજન્સીએ જરૂરિયાત મુજબના ડેટા આપ્યા હતા અને ઇન્ટરવ્યુમાં પણ ઉમેદવારો આવ્યા હતા. હવે સવાલ થાય છે કે, તાકાતવર કોઈ વ્યક્તિ અથવા ગૃપ ઈરાદાપૂર્વક મનરેગામાં કાયમી ડીડીપીસી ઈચ્છતું નથી? જો કાયમી ડીડીપીસી આવે તો મનસુબા પાર ના પડે ? ઇન્ચાર્જ ડીડીપીસી જો ઉંચા નીચા થાય એટલે કે સુચના અવગણે તો બીજાને ચાર્જ આપી ધાર્યું થાય એટલે? કાયમી ડીડીપીસી મનરેગાનો વહીવટ પારદર્શક કરે તો હોદ્દા ઉપરથી કોઈ આઉટ ના કરી શકે ? ઉપર મુજબના કે પછી બીજા એવા તો કયા કારણો છે કે જેનાથી દાહોદ જિલ્લાના જોબકાર્ડ ધારકો અને લાભાર્થીઓને કાયમી ડીડીપીસી નથી મળતાં? આ અંગે અનેક જાગૃત નાગરિકો જણાવે છે કે, ઇન્ચાર્જ ડીડીપીસીને વહીવટી કારણ બતાવી ચાર્જ લઇ શકે પરંતુ કાયમી ડીડીપીસી કરાર દરમ્યાન ફરજમાં નિષ્ફળ રહે તો જ દૂર થાય. આ રીપોર્ટથી વાચકમિત્રો દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગામાં કેમ ડીડીપીસીની ઇન્ચાર્જ રહે છે તે સમજી શકશો.