ખળભળાટ@દાહોદ: પ્રામાણિકતાની દાવો કરતાં શિક્ષણાધિકારી મયુર પારેખ 1 લાખની લાંચ લેતાં ઝડપાયા, ગંભીર રિપોર્ટ

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં એક તરફ શિક્ષણનું સ્તર સાવ નીચું છે અને પ્રામાણિકતાની વાતો કરી સ્તર ઊંચું લાવવાની વાતો કરતાં શિક્ષણાધિકારીનો ભાંડો ફૂટી ગયો છે. અગાઉ મહિલા શિક્ષણાધિકારી લાંચ લેતાં પકડાયા બાદ તેમનો ચાર્જ મયુર પારેખનો સોંપવામાં આવ્યો હતો. જોકે ખુદ મયુર પારેખ 1 લાખની લાંચ માંગી રંગેહાથ ઝડપાઇ જતાં શિક્ષણમાં ભ્રષ્ટાચાર એટલે કટકીનો પર્દાફાશ થયો છે. આ મયુર પારેખ જ છે કે જેની ઉપર અગાઉ પણ મહિલા શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હવે બીજી ફરિયાદ લાંચની લીધાની દાખલ થતાં મોટી મોટી વાતો કરતાં દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખનો ભ્રષ્ટાચારી ચહેરો બહાર આવ્યો છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ....

દાહોદ જિલ્લાના શિક્ષણમાં ખૂબ મોટો અને ભયંકર ભ્રષ્ટાચાર રૂપી સડો પેસી ગયો હોવાનું દર્શાવતી ઘટનાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. હજુ તો થોડા દિવસો પહેલાં દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા બાદ તેમનો ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખને આપ્યો હતો. સરકારને એવી આશા હતી કે, મયુર પારેખ પ્રાથમિક સાથે માધ્યમિક શાળાઓનો પણ શ્રેષ્ઠ વહીવટ કરશે પરંતુ આ તો ચોંકાવનારી ઘટના બની ગઈ છે. મહિલા શિક્ષણાધિકારી બાદ ચાર્જ લેનાર અધિકારી મયુર પારેખ પણ બેફામ પૈસા ઉઘરાવવા લાગ્યા હતા. બદલી કરવાનો હુકમ કરવાના એક કેસમાં વધુ નાણાં પડાવવા એક લાખની લાંચ માંગી રહ્યા હતા. જોકે શિક્ષક લાંચ આપવા ઇચ્છતા ના હોવાથી ગોધરા એસીબી પોલીસે છટકું ગોઠવી એક લાખ લેતાં પકડી લીધા છે‌.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાનમની આશ્રમ શાળામાં ફરજ બજાવતાં શિક્ષકની આફવા પ્રાથમિક શાળા તા.ફતેપુરામાં બદલી માટે અરજી થઈ હતી. આથી દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર શાંતિલાલ પારેખે હોદ્દાની રૂએ શિક્ષકનો બદલી હુકમ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ કરી દીધો હતો. જોકે આ બદલી હુકમ પેટે મયુર પારેખે પ્રથમ રૂ.5 લાખની માંગણી કરી પરંતુ રૂ.4 લાખ લેવા સંમતિ આપી હતી. આ દરમ્યાન મયુર પારેખે બદલી હુકમ પેટે શિક્ષક પાસેથી અગાઉ 2 લાખ લઈ લીધા હતા. જ્યારે બાકીના લાંચના નાણાં મેળવવા મયુર પારેખ વારંવાર ઉઘરાણી કરતાં હતા. જોકે શિક્ષક આ લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી ગોધરા એસીબી પોલીસને ફરીયાદ આપી હતી.

ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ ગોધરા એસીબી પોલીસે લાંચના છટકાનુ આયોજન કર્યું હતુ. જેમાં ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ પંચોની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.એક લાખની માંગણી કરી, સ્વીકારી સરકારી વાહનમાં મુકતા પકડાઈ ગયા હતા. આ પછી એસીબી પોલીસે તાત્કાલિક અસરથી આરોપી મયૂર પારેખની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.