જીએલપીસી@દાહોદ: કૌભાંડ પાઇપલાઇનમાં હતું ત્યારે ગાંધીનગરના કર્મચારીની વિઝીટ હતી. ધ્યાને આવ્યું તું કે પછી સેટિંગ્સ❓
Glpc gandhinagar
હાલમાં જ એક આરોપી એવા પૂર્વ કર્મચારીએ નિવેદન આપ્યું કે, હવાલાથી ગાંધીનગર એક લાખ રૂપિયા મોકલાવ્યા હતા 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળના અડધા કરોડથી વધુ રકમના કૌભાંડની તપાસ વચ્ચે વધુ એક ચોંકાવનારી વિગતો મળી આવી છે. જ્યારે આ સંગઠિત કૌભાંડ પાઇપલાઇનમાં હતું ત્યારે ગાંધીનગરના કર્મચારી દાહોદની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત સમિક્ષાની/રિવ્યુની/રૂટિન કે પછી રૂબરૂ મિટિંગની હતી તે કોઈ સ્પષ્ટતા મળી નથી પરંતુ આ મુલાકાત દરમ્યાન કેમ આ કર્મચારીને કૌભાંડની ગંધ ના આવી ? આ સૌથી મોટો સવાલ છે. આટલું જ નહિ સ્થાનિક લોક ચર્ચા મુજબ ધ્યાને આવી હશે અને હાલ જે કર્મચારીએ હવાલાથી રૂપિયા મોકલાવ્યાનું નિવેદન આપ્યું તે આધાર બને તો નવાઇ નહિ. સમગ્ર બાબતે તપાસ અધિકારી ડીવાયએસપીએ કડક અને તટસ્થ તપાસ શરૂ કરતાં ગાંધીનગર રેલો આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
Dahod drda
દાહોદ જિલ્લામાં મહિલાઓ માટેની ગ્રામ અર્થતંત્ર પરિવર્તન લગતની ગ્રાન્ટ મામલે થયેલી ઉચાપતમાં અવનવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. આરોપી પૈકી એક મહિલાએ હવાલાથી એક લાખ રૂપિયા ગાંધીનગર મોકલાવ્યા હોવાની વાત કરતાં જીએલપીસી આલમમાં ચકચાર મચી જવા પામી છે. આ તબક્કામાં ઊંડાણમાં જતાં અટલ સમાચાર ડોટ કોમને પણ કેટલીક વિગતો મળી છે. જ્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યું અને કોઈ તપાસ કે ફરિયાદ પણ નહોતી થઈ ત્યારે ગાંધીનગરના કર્મચારીની દાહોદ જિલ્લામાં મુલાકાત થઈ હતી. એટલે કે લાખો રૂપિયાની ઉચાપત થઈ એ સમયે અથવા કૌભાંડના પાઇપલાઇન દરમ્યાન આ ગાંધીનગર વાળા "સાહેબ" મુલાકાતે ગયા હતા. તો આ હોશિયાર અને બાહોશ સાહેબને દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની મિશન મંગલમ શાખા હેઠળના આ કૌભાંડની ગંધ કેમ ના આવી ? અથવા જો કંઈ શંકાસ્પદ ધ્યાને આવ્યું હોય તો શું એની તપાસ કરાવી ના લેવાય તો સરેરાશ 80 લાખ રૂપિયાની ઉચાપત પણ બચાવી શકાત. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે કામગીરી કરવા આ લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી તેમાં કંઈ કામગીરી નહિ થતાં કૌભાંડ સીધેસીધું દેખાઇ આવે છે. તો આ ગાંધીનગરની જીએલપીસીના સાહેબને દાહોદની મુલાકાત દરમ્યાન ધ્યાને ના આવ્યું હોય ? રાજ્ય લાઇવલીહુડ આલમમાં ચાલતી ચર્ચા મુજબ આ ગાંધીનગર વાળા સાહેબને ધ્યાને આવ્યું હશે પરંતુ નજર અંદાજ કર્યું હોય તેવી શક્યતા છે. હવે આ નજર અંદાજ કરવા પાછળ શું રંધાઇ ગયું તે સવાલ બન્યો છે. આ શંકાઓ એટલા માટે મજબૂત બનતી જાય છે કે જ્યારે કૌભાંડના આરોપી અંજનાબેને પોલીસ સમક્ષ કહ્યું છે કે, કૌભાંડમાંથી એક લાખનો હવાલો ગાંધીનગર કરાવ્યો હતો. આથી તપાસ અધિકારી ડીવાયએસપીએ સમગ્ર મામલે ગંભીરતાથી લઈ હવાલો મેળવનારને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.